ક્રિસ્ટલ સિરામિક્સે ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ ટાઈલ્સ માટે દૈનિક 12,000 ચોરસ મીટર ક્ષમતાનું વિસ્તરણ પૂરું કર્યું
અમદાવાદ, ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) તેની પેટા કંપની ક્રિસ્ટલ સિરામિક ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ (ક્રિસ્ટલ સિરામિક્સ) ખાતે મોટાપાયે વિસ્તરણની કામગીરી પૂરી કરી છે.
ક્રિસ્ટલ સિરામિક્સે ગુજરાતમાં તેના મહેસાણા પ્લાન્ટ ખાતે ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ ટાઈલ્સની નવી પ્રોડક્શન લાઈનમાં દૈનિક 12,000 ચોરસ મીટરની વિસ્તરણ કામગીરી સંપન્ન કરી છે. આ વિસ્તરણ માટે ક્રિસ્ટલ સિરામિક્સે રૂ. 25 કરોડનું રોકાણ કર્યું છે. ક્રિસ્ટલ સિરામિક્સમાં એશિયન ગ્રેનિટો 70 ટકા ઈક્વિટી હિસ્સો ધરાવે છે.
આ વિસ્તરણથી ક્રિસ્ટલ સિરામિક્સની કુલ ક્ષમતા વધીને દૈનિક 36,000 ચોરસ મીટરની થશે. ક્રિસ્ટલ સિરામિક્સ સ્થાનિક અને નિકાસ બજારો માટે 600X1200 એમએમ લાર્જ ફોર્મેટ જીવીટી ટાઈલ્સનું ઉત્પાદન કરશે. દૈનિક 12,000 ચોરસ મીટરની ક્ષમતાના વિસ્તરણથી ક્રિસ્ટલ સિરામિક્સ અને એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના કન્સોલિડેટેડ ટર્નઓવરમાં વાર્ષિક વેચાણમાં લગભગ રૂ. 70-75 કરોડનો ઉમેરો થશે. ક્રિસ્ટલ સિરામિક્સે નાણાંકીય વર્ષ 2021માં રૂ. 184.45 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ક્રિસ્ટલ સિરામિક્સમાં નીચી કિંમતે કુદરતી ગેસનો લાભ મળે છે તેને ધ્યાનમાં રાખીને આ વ્યૂહાત્મક વિસ્તરણ કરવામાં આવ્યું છે જેનાથી કંપનીને તેની ઉત્પાદન પડતર વધુ ઘટાડવામાં મદદ મળશે.
આ ક્ષમતા વિસ્તરણથી એશિયન ગ્રેનિટોને કન્સોલિડેટેડ ધોરણે સ્થાનિક અને નિકાસ બજારમાં તેનો બજાર હિસ્સો વધારવામાં મદદ મળશે. અમે પડતર ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવાના સતત પગલાં લઈ રહ્યા છીએ. કંપની ગ્રામીણ તથા દ્વિતીય શ્રેણીના શહેરોમાં સારી હાજરી ધરાવે છે. કંપનીના વિકાસ માટે ખૂબ જ મહત્વના ગણાય એવા મધ્યમ વર્ગ માટે મૂલ્ય આધારિત પ્રોડક્ટ્સ ઊભી કરવા પર અમે ધ્યાન આપી રહ્યા છીએ.
નાણાંકીય વર્ષ 2021 માટે કંપનીએ કન્સોલિડેટેડ ધોરણે રૂ. 57.23 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 36 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2021 માટે ચોખ્ખા વેચાણો રૂ. 1,292 કરોડ રહ્યા હતા જે વાર્ષિક ધોરણે છ ટકા વધુ હતા. એબિટા રૂ. 135.95 કરોડ નોધાઈ હતી જે વાર્ષિક ધોરણે 16 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2021માં એબિટા માર્જિન 91 બેસિસ પોઈન્ટ્સ વધીને 10.5 ટકા રહ્યું હતું જ્યારે ચોખ્ખા નફાનું માર્જિન 100 બેસિસ પોઈન્ટ્સ વધીને 4.4 ટકા રહ્યું હતું.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ સિરામિક ફ્લોર, ડિજિટલ વોલ, વિટ્રિફાઈડ, પાર્કિંગ, પોર્શલેન, ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ, આઉટડોર, નેચરલ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ક્વાર્ટ્ઝ સહિતની વિવિધ રેન્જની પ્રોડક્ટસ ધરાવે છે. ગ્રાહકોને સંપૂર્ણ બાથિંગ સોલ્યુશન્સ પૂરા પાડવ માટે કંપનીએ તેના સેનેટરી ડિવિઝનમાં સીપી ફિટિંગ્સ અને ફોસેટ્સની શ્રેણી પણ ઉમેરી છે. અમે માનીએ છીએ કે આગામી વર્ષોમાં સિરામિક ઉદ્યોગનો ઉત્કૃષ્ટ દેખાવ ચાલુ રહેશે. અમે આગામી વર્ષોમાં પણ વર્તમાન વર્ષની સફળતાનું પુનરાવર્તન કરવા માંગીએ છીએ.