ભાજપ રાવતને બચાવે તો મમતાને સીધો ફાયદો થઈ જશે
દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત ધારાસભ્ય નથી એ મામલે ભાજપ બરાબરનું ફસાયું છે. ભાજપ મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને બચાવવા જાય તો મમતાને ફાયદો થઈ જાય તેથી ભાજપની હાલત ખરાબ છે.
ઉત્તરાખંડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી છે. જે રાજ્યમાં એક વર્ષની અંદર વિધાનસભાની સામાન્ય ચૂંટણી હોય ત્યાં પેટાચૂંટણી ના કરાવી શકાય એવો બંધારણીય મુદ્દો એક તરફ ઉઠ્યો છે. બીજી તરફ ભાજપ બંધારણીય જાેગવાઈને અવગણીને ચૂંટણી પંચ પર દબાણ લાવીને પેટાચૂંટણી જાહેર કરાવી દે તો તેનો ફાયદો મમતા બેનરજીને પણ મળે.
રાવતની જેમ મમતા પણ વિધાનસભામાં સભ્ય નથી. મમતાએ નવેમ્બર પહેલાં વિધાનસભામાં જીતવું જરૂરી છે પણ ભાજપ પેટાચૂંટણી નહીં કરવા દઈને મમતાની હાલત બગાડવા માંગે છે. ચૂંટણી પંચે પેટાચૂંટણીઓ પર પ્રતિબંધ મૂક્યો છે એ બહાને ભાજપ મમતા માટે ચૂંટણી નથી થવા દેતો પણ રાવતની હાલત પણ મમતા જેવી થઈ છે. રાવતે તો સપ્ટેમ્બરમાં જ જીતવું જરૂરી છે. આ સંજાેગોમાં ભાજપે મમતાની હાલત બગાડવી હોય તો રાવતનો ભોગ આપવો પડે.