તારે અમેરિકા આવવું હોય તો ડિનર પાર્ટીમાં ટૂંકા કપડાં પહેરવાં પડશે
અમદાવાદ: શહેરના ઘાટલોડિયામાં લગ્નના પંદર દિવસ બાદ મિત્રોને ખુશ કરવા પતિએ ડિનર પાર્ટી યોજી હતી ત્યારે પાર્ટીમાં ચિક્કાર દારૂ પીધા બાદ પતિએ પત્નીને કહ્યું કે જાે તારે મારી સાથે અમેરિકા આવવું હોય તો મારા સ્ટેટ્સ મુજબ શોર્ટ્સ કપડાં પહેરવાં પડશે. યુવતીનો પતિ આમ કહીને ત્રાસ આપતો હોવાનો મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
ઘાટલોડિયામાં રહેતી ૩૩ વર્ષીય યુવતીએ તેના પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર યુવતીના પતિ તેમજ સાસરિયાં અમેરિકા રહે છે. યુવતી છેલ્લા એક વર્ષથી સાસરીમાં એકલી રહે છે. યુવતીનાં લગ્ન વર્ષ ર૦૧૮માં ઘાટલોડિયાના અમિત પટેલ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. લગ્નના ૧પ દિવસ પછી લગ્નની ખુશીમાં યુવતીના પતિએ મિત્રો માટે ડિનર પાર્ટી રાખી હતી, જેમાં પતિએ યુવતીને કહ્યું કે જાે તારે મારી સાથે અમેરિકા આવવું હોય તો મારા સ્ટેટ્સ મુજબ શોર્ટ્સ કપડાં પહેરવાં પડશે.
જાેકે આ ડિનર પાર્ટીમાં યુવતીના પતિએ ચિક્કાર દારૂ પીધો હતો, જેથી યુવતીને ન ગમતાં તેણે તેના ભાઈને આ અંગે જાણ કરતાં યુવતીનો ભાઈ ત્યાં આવ્યો હતો. યુવતીના ભાઈએ તેના બનેવી સાથે વાત કરતાં બનેવીએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.ત્યારબાદ પતિએ યુવતીને કહ્યું કે તારે જૂનવાણી સ્વભાવે જીવવું હોય તો છૂટાછેડા આપી દે. પતિએ આમ કહેતાં યુવતીએ કંટાળીને ફરિયાદ કરતાં સાસુ-સસરાએ સંસાર બગડશે તેમ કહી તેને રોકી હતી,
જેથી તે વખતે યુવતીએ ફરિયાદ કરી ન હતી. થોડા દિવસ બાદ યુવતીને સાસુ-સસરાએ કહ્યું કે તારાં મા-બાપને અમેરિકા રહેતો જમાઈ જાેઈતો હતો એટલે તારે દહેજ આપવું પડશે અને દહેજ આપશો તો જ તને અમેરિકા આવવા મળશે.
યુવતીને તેના સાસરિયાંઓ એટલી હદે ત્રાસ આપતાં હતાં કે તે કંટાળી ગઈ હતી. વર્ષ ૨૦૧૯માં યુવતીને ફ્રેકચર થયું ત્યારે તેના સસરાએ મંદિર સાફ કરવા માટે કહ્યું હતું પણ યુવતીએ ના પાડી હતી, જેથી સસરાએ તેના વાળ પકડી તેને લાફો માર્યો હતો. સાસુ અને નણંદ યુવતીને મેડિટેશનના કોર્સ માટે આશ્રમ લઇ જતાં હતાં. પતિ ક્યારેક આવેશમાં આવી પત્નીને કહેતો કે તારાં કર્મના કારણે મારાં માતા-પિતા ક્યાંક જતાં રહ્યાં છે. આમ, વિદેશ ન લઈ જઈ પતિ સહિત સાસરિયાંઓ ત્રાસ આપતાં હોવાથી યુવતીએ કંટાળીને મહિલા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.