ઝઘડિયા ગામમાં કરોડોના ખર્ચે બનેલી સુએજ ગટર લાઈનનું વર્ષોથી મોટા પાયે લીકેજ થઈ રહ્યું છે પાણી

ઝઘડિયાની ગ્રીનપાર્ક સોસાયટી વિસ્તારમાં લીકેજ બાબતે સ્થાનિક વહીવટીતંત્ર હાથ અધ્ધર કરી રહ્યું છે.
ઝઘડિયામાં વારંવાર સુએજ ગટર લાઈનની સમસ્યા બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈ ટીડીઓ, મામલતદાર,નાયબ કલેકટર,ડીડીઓ અને કલેકટર સુધીનાઓ નાગરિકોને ચલક ચલાણીનો ખેલ રમાડે છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,પ્રાંત અધિકારી સહિતના જવાબદાર વિભાગોમાં ઝઘડિયા ગામમાં ઉભરાતી સુએજ ગટર લાઈન બાબતે અલગ અલગ વિસ્તારના રહીશોએ વારંવાર રજૂઆત બાદ પણ લીકેજની સમસ્યા ઠેરની ઠેર હોય વહીવટીતંત્ર બેદરકારી દાખવી રહ્યું છે.
ઝઘડિયા ગામમાં છેલ્લા કેટલા સમય પહેલા પ્રજાના પૈસે ગામમાં સુએજ ગટર લાઈન બનાવી હતી.જે જાહેરમાં વારંવાર રસ્તા પર ઉભરાતી હોય જવાબદાર ગ્રામ પંચાયત લઇ જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધીનાઓ ગટરલાઇનની ખરાબ કામગીરી અને વારંવાર થતી લિકેજ બાબતે બેદરકારી દાખવી રહ્યા છે.હાલમાં સુએજ ગટર લાઈન ઝઘડિયાની ગ્રીનપાર્ક સોસાયટી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસથી સુએજ ગટર લાઇનનું ગંદુ પાણી પ્રદૂષિત પાણી જાહેર રોડ ઉપર રોજિંદુ ફેલાઈ રહ્યું છે,
તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદો મળ્યા બાદ પણ કોઈ પગલાં ભરવામાં આવતાં નથી અને તમામ જવાબદારો એકબીજા પર ઠિકડા ફોડી રહ્યા છે.ઝઘડિયાની ગ્રીન પાર્ક સોસાયટીમાં લીકેજ થયેલ સુએજ ગટર લાઈન બાબતે ત્યાંના રહીશોએ ગ્રામ પંચાયત, ટીડીઓ,પીડબલ્યુડી સુધી આ બાબતની મૌખિક ટેલિફોનિક જાણકારી આપી હોવા પછી પણ હજી સુધી સુએજ ગટર લાઈન સમારકામ હાથ ધરાયું નથી.
ઝઘડિયામાં સુએજ ગટર લાઈનની સમસ્યા બાબતે અત્યાર સુધી સ્થાનિક ગ્રામપંચાયતથી લઇ ટીડીઓ, મામલતદાર, નાયબ કલેકટર, ડીડીઓ અને કલેકટર સુધીનાઓ નાગરિકોને ચલક ચલાણીનો ખેલ રમાડી રહયા છે.આ ઉપરાંત પણ ઝઘડિયા શાંતિ નગર અને એપીએમસી પાસેથી વહેતા કોતરમાં પણ આ ગટર મોટાપાયે ઉભરાય રહી છે.