ગાઝીપુર બોર્ડર ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી, અનેક ગાડીઓમાં તોડફોડ
નવીદિલ્હી: દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયાની ઘટના ઘટી છે. દિલ્હીની ગાઝીપુર સરહદ પર ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. એવું કહેવાઇ રહ્યું છે કે, ભાજપના કાર્યકર્તાઓ ગાઝીપુર બોર્ડર પર ભાજપ સાથે જાેડાયેલા એક નેતાનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતાં, પરંતુ અહીં એકાએક ઉગ્ર બબાલ શરૂ થઇ ગઇ. ભાજપના સમર્થકોનો એવો આક્ષેપ છે કે, ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો અને પથ્થરમારો શરૂ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી અમિત વાલ્મિકી પોતાની નિમણૂંક બાદ પ્રથમવાર ગાઝિયાબાદ જઈ રહ્યાં હતા. ભાજપ નેતા દિલ્હીથી આવી રહ્યાં હતા ત્યારે ઘણાં કાર્યકરો ગાઝીપુર બોર્ડર પર તેમના સ્વાગત માટે હાજર હતાં. ભાજપ નેતા અમિત વાલ્મિકીનો કાફલો ગાઝીપુર બોર્ડર પર પહોંચતા જ ભાજપ કાર્યકરો તેમનું સ્વાગત કરવા લાગ્યા હતાં.
આ સમયે જ ખેડૂતો કાળા વાવટા લઈ ત્યાં પહોંચી ગયા હતાં. આ સમયે ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચેના ઘર્ષણને કારણે અફરા- તફરીની સ્થિતિ જાેવા મળી હતી. ભાજપ નેતા અને કાર્યકરોએ ખેડૂતો દ્વારા હુમલો કરાયો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ખેડૂતો દ્વારા વાહનોના કાંચ તોડવામા આવ્યા હોવાનો ભાજપ નેતાએ આરોપ લગાવ્યો હતો.
આ ઘટના પર ખેડૂતોએ ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભાજપના કાર્યકરો કોઈ નેતાના સ્વાગત કરવાના બહાના સાથે ઢોલ-નગારા વગાડી ખેડૂત આંદોલનનો વિરોધ કરી રહ્યાં હતાં. ભારતીય કિસાન યુનિયને ભાજપ કાર્યકરોને આમ કરવાનું બંધ કરવાનું કહ્યું હતું, જે પછી ભાજપ કાર્યકરોએ ખેડૂતો પર ડંડા વડે હુમલો કર્યો હતો અને ઘણા ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા. કિસાન યુનિયને કહ્યું કે- ભાજપ હવે હિંસા થકી ખેડૂત આંદોલનને તોડવા માંગે છે અને તેનું ઉદાહરણ ગાઝીપુર બોર્ડર પર જાેવા મળ્યું હતું.