Western Times News

Gujarati News

મ્યુનિસિપલ બગીચા વિભાગે ૨૫ દિવસમાં બે લાખ વૃક્ષ લગાવ્યા

Privatisation of tree plantation in Ahmedabad

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારના રોપાનું નાગરિકોને વિતરણ પણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ વિશ્વ પર્યાવરણ દિવસે તંત્ર દ્વારા વૃક્ષારોપણ માટે જાહેરાત કરવામાં આવી હતી

તેમજ છેલ્લા બે વર્ષની માફક આ વર્ષે પણ મિશન મીલીયન ટ્રીઝનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મ્યુનિસિપલ બગીચા વિભાગ દ્વારા મિશન મીલીયન ટ્રીઝના લક્ષ્યાંકને પૂર્ણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. તેમજ છેલ્લા ૨૫ દિવસમાં ૨ લાખ જેટલા વૃક્ષ લગાવવામાં આવ્યા છે.

જ્યારે એ.એમ.સી સેવા એપ દ્વારા ડિમાન્ડ કરનાર ૩૩ હજાર કરતા વધુ નાગરિકોના ઘરે વિવિધ પ્રકારના રોપા લગાવવામાં આવ્યા છે. ગત વર્ષે કોરોનાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આયુર્વેદિક ઔષધની રોપાનો ઉછેર અને વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે ગત વર્ષે પણ દસ લાખ રોપા લગાવી અનોખો વિક્રમ કર્યો હતો તેમજ કોરોનાકાળ અને વિપરીત સંજાેગો વચ્ચે દસ લાખ રોપા લગાવવાનો લક્ષ્યાંક સિદ્ધ કર્યું હતું.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૯ અને ર૦ર૦ની માફક ર૦ર૧માં પણ ૧૩ લાખ કરતા વધુ રોપા લગાવવા માટે નિશ્ચય કરવામાં આવ્યો છે. શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસથી વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું છે. મ્યુનિ. બગીચા વિભાગ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર ૧,૯૯,૩૦૨ નાના-મોટા વૃક્ષ લગાવ્યા છે. જેમાં ૭૦૫૩૯ મોટા વૃક્ષ અને ૧૨૮૭૬૩ નાના રોપા લગાવ્યા છે. મ્યુનિ.કોર્પો હસ્તકના બગીચાઓમાં ૬૯૫૦૧ તેમજ મ્યુનિ. શાળાઓમાં ૨૫૭૦ વૃક્ષ લગાવ્યા છે.

જ્યારે ૩૩૫૯૦ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરમાં જુન મહિનામાં જાપાનની મીયાવાંકી પદ્ધતિથી ૫૮૪૦ વૃક્ષ રોપવામાં આવ્યા છે. તેમજ જીઆઈડીસી અને અન્ય ખાનગી કંપનીઓની જગ્યા પર ૯૮૪૬ રોપા લગાવ્યા છે. શહેરમાં અંદાજે પ૦ કરતા વધુ ખાનગી અને સરકારી પ્લોટોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

જેમાં ૧૦ સ્થળે જાપાનની મીયાંવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ થશે. જયારે ૩૦ જેટલા સ્થળોએ ગીચ વૃક્ષારોપણ માટે આયોજન કરવામાં આવ્યું છે જે સ્થળે ગીચ વૃક્ષારોપણ થઈ શકે તેમ ન હોય તેવા સ્થળે બાઉન્ડ્રી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. અગાઉની જેમ આ વર્ષે પણ વૃક્ષ ઉછેર માટે એનજીઓની મદદ લેવાશે પરંતુ કોર્પોરેશન તરફથી કોઈ આર્થિક સહાય કે મદદ આપવામાં આવશે નહી.

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની સેવા એપ દ્વારા ૩૩૩૮૧ ખાનગી મિલકતોમાં રોપા લગાવવામાં આવ્યા છે. જેમા મહદઅંશે વડ, પીપળો, લીમડો, ગુલમહોર, કદમ, ગરમાળો, રાયણ, બોરસલ્લી જેવા નાના-મોટા વૃક્ષના રોપા લગાવવામાં આવી રહ્યા છે. તેમજ વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને આયુર્વેદ રોપાનું પણ વિતરણ કરવામાં આવશે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ ઉત્તમ ઉપાય છે. તેથી આ વર્ષે આયુર્વેદ ઔષધની રોપા લગાવવામાં આવી શકે છે.

જેમાં આમળા, સરગવો, અર્જુન સાદળ, અરડુસીનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા હાલ તુલસીરથ ના માધ્યમથી તુલસી રોપાનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી નર્સરીમાં ગિલોય, નગોડ, અરડૂસી અને અશ્વગંધા ના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે કોરોનાને લડત આપવા માટે ઇમ્યુનિટી વધુ હોવી જરૂરી છે. આ તમામ ઔષધિના ઉપયોગ થી કોરોના સામે નાગરિકોને રક્ષણ મળશે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૨૦૧૯માં ખાનગી સંસ્થાઓની મદદથી ૧૧ લાખ રોપા લગાવવામાં આવ્યા હતા. જયારે ૨૦૨૦માં જુલાઈ માસના અંત સુધી ૩ લાખ ૦૮ હજાર રોપા લગાવવામાં આવ્યાં હતાં. ૨૦૨૦ના વર્ષમાં પણ ૧૦ લાખ રોપા લગાવવા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનના કારણે મજૂરોની અછત સર્જાતાં આ લક્ષ્યાંક પૂર્ણ થાય તેવી ઓછી શક્યતા હતી. તેમછતાં બગીચા વિભાગનાં કર્મચારીઓની મહેનતનાં કારણે આ લક્ષ્યાંક પૂર્ણ થયો છે.

ગત વર્ષે ની જેમ ચાલુ વરસે ‘મિશન મીલીયન ટ્રીઝ પ્રોજેક્ટ ના કરવા અંગે બગીચા વિભાગના ડાયરેક્ટર જિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષર્માં લોકડાઉન ના કારણે મિશન મિલિયન ટ્રીઝ માટે જરૂરી તૈયારીઓ થઈ શકી નહતી. ૨૦૨૦માં મ્યુનિ.કોર્પોરેશનની તમામ મિલકતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જેમાં વાસણા બેરેજ પાસેનો પ્લોટ, ગોમતીપુર ટોપી મીલ પાસે પ્લોટ, વસ્ત્રાલ એએમસી પ્લોટ, સાયન્સ સિટી ગુલમહોર ગ્રીન પાર્ક પાસેનો પ્લોટ, થલતેજ વિસ્તારમાં ઈડબલ્યુએસ આવાસ યોજના પ્લોટ, જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નરોડા-નિકોલમાં મ્યુનિસિપલ પ્લોટ, ગોતા કલેકટર ઓફિસ, પોલીસ હાઉસિંગ પ્લોટ, રેલવેની ખુલ્લી જમીનો, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ તેમજ રોડ સાઈટ પર વૃક્ષારોપણ કરી ૧૦ લાખ રોપા લગાવવાનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ૭૦૦ કિલોમીટર રસ્તાની બંન્ને બાજુ ૪૦ હજાર કરતા પણ વધુ વૃક્ષ રોપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.