ક્રાઈમબ્રાંચની ટીમે ચોરીના આરોપીને ૧ પિસ્તોલ, પ કારતુસ સાથે ઝડપી લીધો
(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી તથા ચાંદખેડા વિસ્તારમાં તાજેતરમાં બે ચોરીના ગુના નોંધાયા હતા જેમાં તપાસ કરતા ક્રાઈમબ્રાંચની ટીમે આરોપીની ઓળખ કર્યા બાદ બાતમીને આધારે એકતા હોટલ પાસેથી ઝડપી પાડયો હતો જાેકે તપાસમાં તેની પાસેથી એક પિસ્તોલ તથા પાંચ કારતુસ પણ મળી આવ્યા હતા.
ગઈ તારીખ ૧૬મીએ સાબરમતી તથા ચાંદખેડા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ નોંધાઈ હતી જેની ક્રાઈમબ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવતા ડીસા, સુભાષચોકના મરચા બજાર નજીક રહેતા કિશોર કાંતીલાલ લુહાર ઉર્ફે કે કે નામના આરોપીની સંડોવણી બહાર આવી હતી.
દરમિયાન કિશોર પાટણના અમરપુરા ગામ નજીક એકતા હોટેલ પર હોવાની બાતમી મળતાં એક ટીમ તેને પકડવા ગઈ હતી અને કિશોર સહીત ચાર શખ્સોને ઝડપી લીધા હતા તેની પાસેથી પિસ્તોલ, પ કારતુસ તથા બે મેગેઝીન પણ મળી આવી હતી. પુછપરછમાં ચોરીના ગુના નરેશ ગર્ગ (ભીનમાલ, રાજસ્થાન) સાથે મળીને આચર્યા હોવાનું કહયું હતું.
કિશોર અગાઉ હથિયાર, ઘરફોડ ચોરી, લુંટ, બળાત્કાર તથા મારામારી જેવા અનેક ગુનામાં પકડાઈ ગયો છે. આ અંગે એસીપી ચુડાસમાએ જણાવ્યું હતું કે ચારમાંથી ત્રણ શખ્સો સામે કોઈ ગુનો ન હોવાથી તેમને છોડી દેવાયા છે જયારે કિશોરની વધુ તપાસ ચાલુ છે.