અમદાવાદ શહેરમાં રખડતાં કૂતરાંનો બેફામ આતંક
અમદાવાદ, શહેરમાં રખડતાં કૂતરાંનો ત્રાસ સતત વધી રહ્યો છે. રાત્રી કરફ્યુનાં નિયંત્રણ હવે હળવા થઇ રહ્યા હોઇ રખડતાં કૂતરાંના કરડવાના કિસ્સામાં પણ વધારો થયો છે. રખડતાં કૂતરાં એકલદોકલ વાહનચાલકની પાછળ પડીને તેને બચકું ભરવા જાણે કે ટાંપીને જે બેઠા હોય છે. આજે અમદાવાદના લો ગાર્ડન જેવા મેયર-કમિશ્નર બંગલા વિસ્તારને છોડીને એક પણ વોર્ડ વિસ્તાર રખડતાં કૂતરાંના આતંકથી મુક્ત નથી.
કેટલાક વિસ્તારોમાં સાંજ પડતાંની સાથે બાળકો, મહિલાઓ અને વૃદ્ધ માટે ઘરની બહાર નીકળવું અશક્ય બની જાય છે. તેમાં પણ કોરોના મહામારીની સાઇડ ઇફેક્ટ કહો કે બીજું કંઇ, પણ છેલ્લા એક વર્ષમાં રખડતાં કૂતરાંનો આતંક બેફામ બન્યો હોઇ મ્યુનિ. સત્તાવાળાઓએ હવે તેમની રસીકરણ-ખસીકરણની ઝુંબેશ અસરકારક બનાવવી પડશે.
માર્ચ-૨૦૨૦થી શહેરમાં કોરોનાની ફર્સ્ટ વેવ ફરી વળી હતી. ત્યારબાદ એપ્રિલ અને મે મહિના-એમ બે મહિના તો દેશભરમાં લોકડાઉન હતું એટલે ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રારંભના બે મહિના તો અમદાવાદ પણ થંભી ગયું હતું. પછીના મહિનાઓમાં પણ મ્યુનિ. તંત્રની તમામ પ્રવૃત્તિઓ ફક્ત કોરોના કેન્દ્રીત હતી.
રખડતાં ઢોર અને રખડતાં કૂતરાંના ત્રાસમાંથી નાગરિકોને છૂટકારો અપાવવા માટેના ખાસ ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ પૈકીના મોટા ભાગના સ્ટાફને કોરોના સામેના જંગમાં લગાડી દેવાયો હતો.
પરિણામે રખડતાં કૂતરાંનાં રસીકરણ અને ખસીકરણની કામગીરી લગભગ ઠપ થઇ હતી. બીજી તરફ શહેરજનોને કોરોનામુક્ત બનાવવાના અભિયાનમાં રખડતાં કૂતરાંની વસ્તીમાં અનહદ વધારો થતો ગયો હતો. આજે એક અંદાજે પ્રમાણે અમદાવાદમાં રૂ.૨૫ લાખથી વધુ રખડતાં કૂતરા છે,
એટલે કે દર ૧૦૦ અમદાવાદીએ લગભગ ચાર રખડતાં કૂતરા શહેરની સોસાયટી, પોળની ગલી-રસ્તા પર ફરી રહ્યા છે. આ બાબત ચોક્કસ આઘાતજનક છે, કેમ કે ઘણી જગ્યાએ રખડતાં કૂતરા હડકાયા બનીને નિર્દોષ લોકોને લોહીલુહાણ કરી રહ્યાં છે.
બીજી તરફ હાલમાં ત્રણ એનજીઓ પાસે રખડતાં કૂતરાંના ખસીકરણની કામગીરી છે. પશ્ચિમ ઝોનમાં ગોલ ફાઉન્ડેશન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં પીપલ ફોર એનિમલ, જ્યારે દક્ષિણ અને મધ્ય ઝોનમાં યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર કામગીરી સંભાળે છે. તંત્ર દ્વારા એનજીઓ દીઠ દર મહિને એક હજાર રખડતાં કૂતરાનું ખશીકરણ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ માટે વર્ષ ૨૦૧૮થી પ્રતિ શ્વાનદીઠ રૂ.૯૦૦નો ઊંચો ભાવ ચૂકવાઇ રહ્યો છે. તેમ છતાં કોરોના નહોતો તે સમયના વર્ષોમાં પણ મ્યુનિ. તંત્રને આ લક્ષ્યાંક મળ્યો નથી.
વર્ષ ૨૦૧૮-૧૯માં તંત્રે કુલ ૧૮,૨૧૯ રખડતાં કૂતરાનું રસીકરણ-ખસીકરણ કર્યું હતું કે જે રોજના ૫૦ રખડતાં કૂતરા પણ થતા નહોતા. તે વખતે કોરોના નહોતો તેમ છતાં સત્તાધીશોની કામગીરી બેહદ કંગાળ પુરવાર થતાં મ્યુનિ. વર્તુળોમાં ભારે ઊહાપોહ મચ્યો હતો, જેના કારણે વર્ષ ૨૦૧૯-૨૦માં આ ઝુંબેશ બમણા વેગથી કરાઇ હતી અને કુલ ૩૬,૩૬૩ રખડતાં કૂતરાનું ખસીકરણ કરાયાનો તંત્રે દાવો કર્યો હતો એટલે કે દરરોજના આશરે ૧૦૦ રખડતાં કૂતરાનું ખસીકરણ કરાયું હતું.
મ્યુનિ. તિજાેરીમાંથી વર્ષ ૨૦૧૮-૧૯માં ખસીકરણ પાછળ રૂ.૧.૩૫ કરોડ અને વર્ષ ૨૦૧૯-૨૦માં રૂા.૩.૨૪ કરોડ ખર્ચાયા હતા, પરંતુ માર્ચ-૨૦૨૦થી કોરોનાનો પ્રકોપ ફેલાતાં આ ઝુંબેશ મંદ પડી ગઇ હતી. ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં મ્યુનિ. સત્તાવાળાઓને માત્ર ૨૧,૫૦૮ કૂતરાનાં ખસીકરણની સફળતા મળી હતી. ગત નાણાકીય વર્ષે મ્યુનિ. તિજાેરીમાંથી રૂ.૧.૧૦ કરોડ ખર્ચાયા હતા. જાેકે ખસીકરણનો દૈનિક આંક તો ૫૮ રખડતાં કૂતરાનો રહ્યો હતો.
છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં મ્યુનિ. તિજાેરીમાંથી ૭૬,૦૮૪ રખડતા કૂતરાના ખસીકરણ પાછળ રૂ.૫.૯૩ કરોડ જેટલી જંગી રકમ ખર્ચાઇ ચૂકી છે. તેમ છતાં તેનું અસરકારક પરિણામ તો લોકોને મળ્ય નથી. તેમાં કોઇ વાદ વિવાદને સ્થાન નથી. હવે નવેસરથી એનજીઓ નક્કી કરાઇ રહી છે,
પરંતુ જે તે એનજીઓને જે તે ઝોનનો કોન્ટ્રાક્ટ આપી દેવાથી જ લોકોને કોઇ લાભ થવાનો નથી, પરંતુ લક્ષ્યાંક મુજબ કામ ન કરતી એનજીઓને ભારે પેનલ્ટી ફટકારવી પડશે તેમજ તેમના કોન્ટ્રાક્ટને રદ કરવો પડશે, તો જ હાલમાં જે રીતે અમદાવાદીઓને રખડતાં કૂતરાંએ જાણે કે બાનમાં લીધા છે તેવું ડરામણું દૃશ્ય સર્જાતું અટકશે.