સુસાઇડ નોટ લખી મહિલા પ્રિન્સિપાલે આપઘાત કર્યો
છોટાઉદેપુરના નસવાડી તાલુકાની ઘટના -શાળાના શૌચાલયમાં આપઘાતઃ પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ જપ્ત કરી પતિ-સાથી શિક્ષકોની પુછપરછ શરુ કરાઈ
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ પણ કબજે કરી છે. પોલીસે મૃતક મહિલાના પતિ અને શિક્ષકોની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લાના માલપુરના રહેવાસી ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા અને પતિ અને બે બાળકો સાથે રહેતા હતા. ભાવનાબેન ડામોરે આજે સવારે શાળાના શૌચાલયમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને પોલીસ અને મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. નસવાડી પોલીસે ઘટના સ્થળે દોડી જઇને નસવાડી પોલીસે મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ કબજે કરી હતી. સુસાઇડ નોટમાં આત્મહત્યાના કારણ અંગે ખુલાસો થાય તેવી શક્યતા છે.
મહિલાના વોટ્સએપમાં સવારે ૧૦ઃ ૨૫નું તેમનું લાસ્ટ સીન બતાવે છે. બનાવ બાદ પોલીસે મહિલાના માતાપિતાને જાણ કરી હતી. જે બાદમાં મહિલાના માતાપિતા કુકરદા ગામ જવા રવાના થઇ ગયા હતા. આત્મહત્યા કરનાર મહિલાના લગ્ન ૧૦ વર્ષ પહેલા જયદીપ ડામોર સાથે થયા હતા અને છેલ્લા ૪ વર્ષ કુકરદા ગામમાં જ રહેતા હતા.
મહિલાએ આજે સવારે ૯ઃ૨૫ વાગ્યે બે સગાના જન્મદિવસ હોવાથી શુભેચ્છા પાઠવી હતી અને વોટ્સએપમાં સવારે ૧૦ઃ૨૫ વાગ્યાનું તેમનું લાસ્ટ સીન બતાવે છે. પતિ કહે છે કે ચાર મહિનાથી પ્રિન્સિપાલ બન્યા બાદ તેની પત્ની સ્ટ્રેસમાં રહેતી હતી. આત્મહત્યા કરનાર મહિલા પ્રિન્સિપાલના પતિ જયદીપ ડામોરનું કહેવું છે કે ઘરમાં કોઈ સમસ્યા ન હતી તેમજ પતિ અને પત્ની વચ્ચે પણ કોઈ સમસ્યા ન હતી. તેની પત્ની પ્રિન્સિપાલ બન્યા બાદ છેલ્લા ચાર મહિનાથી સ્ટ્રેસમાં રહેતી હતી. આ કારણે આવું પગલું ભરી લીધું હોવાની શક્યતા છે.