તામિલનાડુની એક કિલો ચાની કિંમત રૂ. ૧૬,૪૦૦!
નવી દિલ્હી: તામિલનાડુનો નીલગીરી જિલ્લો ચાના ઉત્પાદન માટે જાણીતો છે. અહીં થતી સિલ્વર નીડલ વ્હાઇટ ટી પાઉડરની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. નીલગીરી સ્થિત કૂનૂર જિલ્લાની એક પ્રાઇવેટ ફેક્ટરીએ આંતરરાષ્ટ્રીય ચા હરાજીમાં એક કિલો સિલ્વર નીડલ વ્હાઇટ ટી પાઉડર માટે ૧૬,૪૦૦ રૂપિયાની બોલી લાગી છે. ઉલ્લેખનીય છે કે કૂનૂર ટી ટ્રેડ એસોસિએશને તાજેતરમાં જ એક ઓનલાઇન આંતરરાષ્ટ્રીય ચા હરાજી કાર્યક્રમ રાખ્યો હતો.
જેમાં ચા ઉત્પાદન કરતી ઘણી ફેક્ટરીઓએ ભાગ લીધો હતો. ચા બોર્ડે આ કાર્યક્રમનું આયોજન આંતરરાષ્ટ્રીય ચા દિવસના ઉપલક્ષમાં ઉત્સવ તરીકે કરાયું હતું. આ પ્રોગ્રામમાં સફેદ ચાની બોલી લગાવવામાં આવી હતી. આ ચાને કુનૂર બિલ્લીમલાઈ ટી એસ્ટેટની સિલ્વર નીડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હરાજીમાં આ ચાની કિંમત ૧૬,૪૦૦ રૂપિયા પ્રતિ કિલો બોલાઈ હતી, જે દક્ષિણ ભારતમાં યોજાયેલી ચાની હરાજીનો રેકોર્ડ સ્તરનો ભાવ છે. મહત્વનું છે કે, સફેદ ચા માટે ચાના પાંદડાને સૂર્ય ઉગે તે પહેલાં તોડવામાં આવે છે.
૧૦ એકરના ખેતરમાંથી માત્ર ૫ કિલો સફેદ ચાના પાંદડા ઉપલબ્ધ થાય છે. આ પાંદડા સતત એક જ તાપમાન પર પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારબાદ ૧ કિલો સોલ્વર નીડલ અથવા સફેદ ચા મળે છે. જેથી આ ચા ખાસ છે અને તેને બજારમાં વધુ ભાવ મળે છે. હરાજીમાં ફક્ત ૪ કિલો વ્હાઇટ ટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે નિકાસ માટે અનામત રાખવામાં આવી હતી. તમિલનાડુનો નીલગીરી જિલ્લો ચાના ઉત્પાદનમાં અવ્વલ છે અને અહીં ચા પાઉડરના વિવિધ પ્રકાર ઉગાડવામાં આવે છે.
જેમ કે ગ્રીન લીવ્સ, ઓર્થોડોક્સ ટી, ગ્રીન ટી, સિલ્વર નીડલ ટી. આ જિલ્લામાં માત્ર ચાના ઉત્પાદન માટે સરકારી કારખાનાઓ જ નહીં, પરંતુ સેંકડો ખાનગી કંપનીઓ પણ તેમનો ધંધો કરી રહી છે. નીલગીરી જિલ્લામાં ચણા ઉત્પાદન સાથે ૬૦ હજારથી વધુ ખેડૂતો જાેડાયેલા છે. જિલ્લાના ખેડૂતો ચાનું ઉત્પાદન કરીને હરાજી માટે કૂનૂર સ્થિત ટી ઓક્શન સેન્ટર લઇ જાય છે.