નવો ડેલ્ટા વેરિયન્ટ આગામી મહિનાઓમાં ફેલાઈ શકે છે
નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને લઈને દુનિયાને ફરી એક વખત ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે યુરોપમાં કોરોનાના કેસ ઓછા થઈ ગયા હતા પણ ૧૦ અઠવાડિયા બાદ હવે ફરી એક વખત યુરોપમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
ન્યૂઝ એજન્સીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ટાંકીને કહ્યુ છે કે, આવનારા મહિનાઓમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિએન્ટ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ શકે છે. કોરોનાનો આ વેરિએન્ટ હાલમાં ૧૦૦ દેશોમાં મોજુદ છે અને આવનારા મહિનાઓમાં વધારે સંક્રમણ ફેલાવી શકે તેવો ડેલ્ટા વેરિએન્ટ સંક્રમણ ફેલાવવામાં મોટો ભાગ ભજવી શકે તેવી સંભાવના છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે ૯૬ દેશોએ ડેલ્ટા વેરિએ્ન્ટના કેસની જાણકારી આપી છે.
આ આંકડો જાેકે ઓછો છે. કારણકે ઘણા દેશો પાસે આ પ્રકારના વેરિએન્ટને ઓળખવાની ટેકનોલોજીકલ ક્ષમતા નથી અથવા સિમિત ક્ષમતા છે. આવનારા મહિનાઓમાં આ વેરિએન્ટ કોરોનાના બીજા વેરિએ્ન્ટને સંક્રમણ
ફેલાવવામાં પાછળ રાખી દે તો નવાઈ નહીં હોય.
ગયા સપ્તાહે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાર્નિદેશક ટેડ્રોસ ઘેબ્રેયસસે કહ્યુ હતુ કે, અત્યાર સુધી કોરોનાના જેટલા પણ વેરિએન્ટ સામે આવ્યા છે તેમાં ડેલ્ટા વેરિએન્ટ સૌથી વધારે સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને જ્યાં રસીકરણ નથી થયુ ત્યાં લોકોમાં આ વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.