પ.બંગાળ હિંસા સંદર્ભે કેન્દ્ર, રાજ્ય, ચૂંટણી પંચને નોટિસ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર, તૃણમૂલ કોંગ્રેસ સરકાર અને ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. અરજીમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ એસઆઇટી દ્વારા કરાવવાની માંગ કરાઇ હતી. જસ્ટિસ વિનીત સરનની અધ્યક્ષતાવાળી બેંચે આ અરજી પર કેન્દ્ર, પશ્ચિમ બંગાળ સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્ચો છે. ઉલ્લેખનીય છે કે, આમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં પીડિતો અને તેમના પરિવારો માટે વળતરની માંગ કરાઇ છે.
આ અંગે સુપ્રીમ કોર્ટે નોટિસના જવાબ માટે આ તમામ પક્ષકારોને ચાર સપ્તાહનો સમય આપ્યો છે. આ અરજીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ પક્ષકાર બનાવ્યા છે, પરંતુ તેમને કોઇ નોટિસ આપવામાં આવી નથી.
લખનઉની વકીલ રંજના અગ્નિહોત્રીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાની નિષ્પક્ષ તપાસ કરાવવા માટે સીટની રચના કરવાની માંગ કરી છે. આ પહેલાં અરજી પર બે વખત સુનાવણી ટળી હતી.
વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બંગાળના ઘણા શહેરોમાં હિંસા ભડકી ઉઠી હતી. ઘણી જગ્યાએ આગના બનાવો અને ઘણી જગ્યાએ મારામારીના દ્રશ્યો જાેવા મળ્યા હતા. આ પ્રકારની હિંસા માટે જવાબદાર લોકોને શોધવા માટે નિર્દેશોની માંગ કરવામાં આવી છે. ગુનેગારો સામે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.