હવે ટ્રકના ટાયર ચોરતી ગેંગ મોડાસામાં સક્રીય થતા ટ્રક માલિકોમાં ફફડાટ
કોલેજ રોડ પર નેત્રમ કેમેરા સામેથી બે ટ્રકના ચાર ટાયર કાઢી લીધા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરી અને તસ્કર ટોળકી સક્રીય થતા સતત ચોરીના બનાવો બની રહ્યા છે મોડાસા શહેરમાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ પછી ટ્રકના ટાયર ચોરી કરતી ગેંગ ઉતરી પડતાં ટ્રક ચાલકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસાના કોલેજ રોડ પર બંધ પોલીસ ચોકી નજીક અને નેત્રમ કેમેરા સામે પાર્ક કરેલી બે ટ્રકના ચોર ટોળકીએ ચાર ટાયર કાઢી ચોરી કરી રફુચક્કર થઇ જતા ટ્રક માલીક હોફળા-ફોફળા બન્યા હતા બે ટ્રકના ૬૦ હજાર રૂપિયાથી વધુ રકમના ચાર ટાયર મંદીના માહોલમાં ચોરાઈ જતા ટ્રક માલીકે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ૩ કરોડના ખર્ચે સીસીટીવી લગાવી નેત્રમ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા સહીત લૂંટ,હીટ એન્ડ રનની ઘટના, ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલવામાં નેત્રમ કેમેરા પોલીસને ઉપયોગી સાબિત થઇ રહ્યા છે ત્યારે નેત્રમ કેમેરાની સામેથી રોડ નજીક પાર્ક કરેલ બે ટ્રકના ટાયર ચોરી તસ્કરો ફરાર થઇ જતા જાણે ચોર ગેંગ નેત્રમ કેમેરા અને ખાખીને ખુલ્લી ચેલેંજ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે
મોડાસામાં સુથાર ટ્રાન્સપોર્ટના નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ગુલામ મોયુદ્દીન સુથારએ તેમના બે ટ્રક મોડાસા કોલેજ રોડ પર આવેલી બંધ પોલીસ ચોકી સામે રાબેતા મુજબ પાર્ક કર્યા હતા ગુરુવારે સવારે બંને ટ્રકના પાછળના ચાર ટાયર ચોરી થઇ ગયા હોવાની જાણ થતા ટ્રક પાસે પહોંચ્યા હતા બે ટ્રકમાંથી મોંઘાદાટ ટાયર ચોરાઈ જતા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી ટાઉન પોલીસે ટ્રક માલિકની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ટાયર ચોરીનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા