Western Times News

Gujarati News

ભાવનગરની કંપનીનું બોગસ ખાતુ ખોલાવી રૂ.૬.૬૩ કરોડની છેતરપીંડી

ભાવનગરની કંપનીમાં ભાગીદાર બની વાવોલના શખ્સે અમદાવાદમાં સરકારી કોન્ટ્રાકટોના આવેલા રૂપિયા બોગસ ખાતુ ખોલાવી ચેક બારોબાર જમા કરાવી દીધા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીના વધતા બનાવોમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસ સક્રિય બની છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી કાપડ મહાજનના વહેપારીઓ સાથે વ્યાપક પ્રમાણમાં છેતરપીંડીના બનાવો બન્યા છે કેટલાક કિસ્સાઓમાં અન્ય વહેપારીઓ સાથે વિશ્વાસ કેળવી છેતરપીંડી આચરતા તત્વો લાખો રૂપિયા પડાવી પલાયન થઈ જાય છે

આ પરિસ્થિતિમાં   શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં ભાવનગરની એક કંપનીએ સરકારી કોન્ટ્રાકટ માટે અમદાવાદમાં મળેલા કોન્ટ્રાકટો માટે કામ કરવા એક વ્યÂક્તને ભાગીદાર બનાવી અમદાવાદની કામગીરી સોંપી હતી પરંતુ આ શખ્સે કંપનીના છ કરોડથી વધુની રકમના ચેક બારોબાર બોગસ ખાતુ ખોલાવી છેતરપીંડી આચરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

આ અંગેની વિગત એવી છે કે ભાવનગર શહેરમાં પરાગ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષાબેન કિશોરભાઈ વેગડ છેલ્લા ઘણા સમયથી સરકારી હાઉસ કીપીંગના કોન્ટ્રાકટ મેળવી તેના પર કામ કરે છે હર્ષાબહેનને ભાવનગર ઉપરાંત અમદાવાદ સહિતના શહેરોમાં પણ મોટા કોન્ટ્રાકટ મળેલા છે તેથી તેમને રાજયભરમાં સતત ફરતા રહેવુ પડે છે આ પરિસ્થિતિમાં  અમદાવાદની સોલા સિવીલ સહિત ત્રણ સ્થળોના હાઉસ કીપીગના મોટા ઓર્ડર મળ્યા હતા

જેના પરિણામે તેમને વારંવાર અમદાવાદ આવવાનું ન થાય અને અમદાવાદના આ તમામ કોન્ટ્રાકટોનું કામકાજ સંભાળે તેવી વ્યકિતની શોધખોળ શરૂ કરી હતી. ભાવનગરમાં રહેતા હર્ષાબહેને સ્પાયર એન્ટરપ્રાઈઝ નામની કંપની શરૂ કરી હતી અને તેમાં મોટાભાગના સરકારી કામો લેવામાં આવતા હતાં અમદાવાદના કામો મળતા તેમણે અમદાવાદમાંથી વિશ્વાસુ માણસ સોધવાનો શરૂ કર્યો હતો.

અમદાવાદ વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે અને અમદાવાદમાં પોતાની ઓફિસ શરૂ થાય તે આશયથી હર્ષાબહેને ગાંધીનગર નજીક આવેલા વાવોલ ગામમાં રહેતા દિલીપભાઈ જેઠાભાઈ ચૌહાણને પોતાની કંપનીમાં ભાગીદાર બનાવ્યો હતો અને અમદાવાદના તમામ કોન્ટ્રાકટો પરની કામગીરીની નજર દિલીપભાઈએ રાખવાની હતી આ તમામ સરકારી કોન્ટ્રાકટોના ચેક હર્ષાબહેન ભાવનગર ખાતે તેમની બેંકમાં જમા કરાવતા હતાં પ્રારંભમાં દિલીપભાઈએ નિયમિત દર મહિને ચેક મોકલી વિશ્વાસ સંપાદિત કરી દીધો હતો પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી દિલીપભાઈ ભાવનગર ચેક મોકલતા ન હતાં

જેના પરિણામે હર્ષાબહેને પુછપરછ શરૂ કરી હતી ત્યારે દિલીપભાઈ ચૌહાણે હું તપાસ કરાવુ છું તેવુ બહાનું કાઢી જવાબ આપવાનો ટાળ્યો હતો પરંતુ હર્ષાબહેનને શંકા જતા તેમણે અમદાવાદની સોલા સિવિલ સહિત ત્રણેય સ્થળોએ ઉપરી અધિકારીઓને ફોન કર્યા હતાં અને તેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમિત રીતે દર મહિને ચેક આપી દેવામાં આવ્યો છે જેથી હર્ષાબહેન ચોંકી ઉઠયા હતાં.
કંપનીઓમાં તપાસ કરતા આ ચેકો પણ ક્લિયર  થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું જેના પરિણામે હર્ષાબહેનને દિલીપ ચૌહાણ પર શંકા ગઈ હતી અને આ અંગે તપાસ શરૂ કરાવી હતી

તપાસ કરતા આ તમામ ચેકો સ્પાયર એન્ટરપ્રાઈઝ નામે શરૂ કરાયેલા ખાતામાં જ જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું અને તેની કિંમત કુલ રૂ.૬.૬૩ કરોડ થઈ હતી. હર્ષાબહેને આ અંગેની તમામ વિગતો મેળવ્યા બાદ દિલીપ ચૌહાણને પુછતા તેઓ કોઈ ખુલાસો કરી શકયા ન હતાં પ્રાપ્ત માહિતી મુજબ દિલીપ ચૌહાણે બોગસ ડોકયુમેન્ટો બનાવી ગાંધીનગરની એક બેંકમાં સ્પાયર એન્ટર પ્રાઈઝ નામનું બોગસ ખાતુ ખોલાવી દીધું હતું અને તે ખાતામાં આ ચેક જમા કરાવવામાં આવ્યા હતાં. આ અંગે હર્ષાબહેને ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ દિલીપ ચૌહાણ તેનો કોઈ યોગ્ય જવાબ આપતો ન હતો

આ ઉપરાંત પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરની આ કંપનીના બોગસ ડોકયુમેન્ટ બનાવી અન્ય કંપનીઓ સાથે પણ સંપર્ક સાંધી કોન્ટ્રાકટ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. હર્ષાબહેન મોટાભાગે સરકારી હોસ્પિટલો  તથા અન્ય ખાનગી મોટી કંપનીઓના હાઉસકીપીંગના મોટા ઓર્ડરો લેતા હતા પરંતુ અમદાવાદમાં તેમણે ભાગીદાર તરીકે રાખેલ વ્યક્તિઅે  રૂ.૬.૬૩ કરોડની છેતરપીંડી આચરતા આખરે હર્ષાબહેને આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરતા પોલીસ  અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. પોલીસ ફરિયાદ દરમિયાન હર્ષાબહેને તમામ પુરાવાઓ પણ રજુ કરી દીધા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.