Western Times News

Gujarati News

અમદાવાદને હરિયાળુ બનાવવા કલેકટરે ૩.પ૦ લાખ ચોરસ મીટર જમીન આપી

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીના બજેટની જાહેરાતના પગલે કલેકટરે ૩૪ પ્લોટ ફાળવ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરને પ્રદુષણમુક્ત અને હરિયાળુ બનાવવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષથી દર વરસે દસ લાખ કરતા વધુ રોપા લગાવવામાં આવે છે. ચાલુ વરસે પણ ૧૩ લાખ વૃક્ષ લગાવવા માટે લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે જે પૈકી બે લાખ કરતા વધુ વૃક્ષ રોપવામાં આવ્યા છે.

મ્યુનિ. સ્માર્ટસીટી અમદાવાદના ગ્રીનકવચમાં વધારો થાય તેમજ પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય તે આશયથી મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ખરાબાની જમીન પર વૃક્ષારોપણ માટે જાહેરાત કરવામાં આવી હતી તેમજ વૃક્ષારોપણ માટે પ્લોટ મેળવવા માટે કલેકટર સાથે ચર્ચા શરૂ કરી હતી જેના બે મહીનામાં જ તંત્રને પરીણામ મળી ગયુ છે.

કલેકટર કચેરી તરફથી મનપા ને અંદાજે સાડા ત્રણ લાખ ચોરસ મીટર જમીન વૃક્ષારોપણના હેતુ માટે આપવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા શહેરને હરિયાળુ બનાવવા માટે જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે તેમાં વેજલપુર તાલુકામાં ૧૦, ઘાટલોડીયા તાલુકામાં ૧૪, વટવા તાલુકામાં ૦૬, સાબરમતી તાલુકામાં ૦ર અને મણીનગર તાલુકામાં ૦ર પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ વિસ્તાર મુજબ જાેવામાં આવે તો મકરબા વોર્ડમાં ૮, ઓઢવમાં ૦૬, શીલજમાં ૦પ તેમજ ગોતામાં ૦૩ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. કલેકટર દ્વારા અંદાજે સાડા ત્રણ લાખ ચોરસ મીટર જમીન વૃક્ષારોપણ માટે આપવામાં આવી છે જે એક ઈતિહાસ છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે પ્રથમ વખત સરકારી પડતર જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવશે. શહેરના નાગરીકોને સ્વચ્છ હવા મળે તે માટે વધુમાં વધુ વૃક્ષ લગાવવા માટે કલેકટર સમક્ષ જમીનની માંગણી કરવામાં આવી હતી.

જેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે તથા ૩૪ પ્લોટ આપવામાં આવ્યા છે જેના કારણે ૧પ લાખ રોપા લગાવવાનો લક્ષ્યાંક પુર્ણ થશે તેવી આશા છે. મ્યુનિ. બગીચા વિભાગના ડાયરેકટર જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા મુજબ જે તે પ્લોટની સ્થિતિ તપાસ-ચકાસીને તે સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવશે. સામાન્ય છુટા- છવાયા કે બાઉન્ડ્રી પ્લાન્ટેશનમાં એક ચોરસ મીટરમાં એક વૃક્ષ લાગી શકે છે. જયારે મીયાવાંકી પધ્ધતિમાં એક ચોરસ મીટરમાં ચાર વૃક્ષ લાગે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વસે તેની માલિકીની જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવે છે પરંતુ મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત સરકારી જમીન પર વૃક્ષારોપણ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે જિલ્લા કલેકટર દ્વારા પ્રથમ વખત જ વૃક્ષારોપણ માટે જમીન આપવામાં આવી છે.

કલેકટર કચેરીના પત્રમાં “વૃક્ષારોપણ”નો હેતુ સ્પષ્ટ લખવામાં આવ્યો છે તથા જે જમીન ફાળવવામાં આવી છે તે ગોચર, ખરાબા કે સરકારી પડતર પ્રકારની છે તેમજ આ તમામ જમીન પર વૃક્ષારોપણ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.