અમદાવાદમાં રિક્ષામાં સૂતેલા યુવકને મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદ: અમદાવાદમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં સામાન્ય બોલાચાલીમાં પણ હત્યા કરી દેવામાં આવી હોય તેવી ઘટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે શહેરમાં સોલા વિસ્તારમાં સામાન્ય ઝગડામાં બોલાચાલી થતાં રિક્ષામાં સુઈ ગયેલા વ્યક્તિને ગણતરીની સેકન્ડોમાં છરીના ત્રણ ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં સોલા પાસે આવલ પાવાપુરી ચાર રસ્તા નજીક ૫૦ વર્ષના આસરના પૂનમ ઉર્ફે લાલ પટની રિક્ષા ચલાવતા હતાં. પૂનમ કાયમ કામ પુરૂ થયા બાદ રાત્રે જમીને રિક્ષામાં જ સુઈ જતાં હતાં. બે દિવસ અગાઉ નજીકના ચાર રસ્તા પાસે બેસવાના મુદ્દે તેમનો ધવલ રાવલ નામના શખ્સ સાથે ઝગડો થયો હતો. ઝગડા દરમિયાન બંને વચ્ચે સામાન્ય બોલાચાલી અને ત્યાર બાદ ઝપાઝપી પણ થઈ હતી.
આ વાતની અદાવત રાખીને ધવલે પૂનમભાઈને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. જે માટે ગઈકાલે રાત્રે પૂનમભાઈ રોજની જેમજ પોતાની રિક્ષામાં સુઈ ગયા હતાં. તે દરમિયાન ધવલ ત્યાં આવ્યો હતો અને ગણતરીની સેકન્ડમાં જ પૂનમભાઈના ગળામાં છરીના ત્રણ ઘા ઝિંકીને ફરાર થઈ ગયો હતો. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં ખૂબજ લોહી વહી ગયું હતું અને અંતે પૂનમભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સોલા પોલીસે પૂનમભાઈની હત્યા સંદર્ભે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.