રાજ્યમાં વરસાદના વિરામથી વાતાવરણમાં ઉકળાટ વધ્યો
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. જેના કારણે વાતાવરણમાં બફારો વધ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ થવાના કોઈ સંકેતો નથી. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા થવાની આગાહી કરવામાં આવી છે.આજે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન નવસારી ચિખલી એક મી.મી. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના સતલાસણા તાલુકામાં ૩ મી.મી તથા નર્મદા જિલ્લાના તિલકવાડામાં ૨ મી.મી. વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં કચ્છ ઝોનમાં ૧૨.૬૨, ઉત્તર ગુજરાતમાં ૧૨.૮૨, દક્ષિણ ગુજરાતમાં ૧૬.૮૭, મધ્ય ગુજરાતમાં ૧૪.૮૫ અને સૌરાષ્ટ્રમાં ૧૨.૧૭ ટકા અત્યાર સુધીનો વરસાદ થયો છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો ૧૨૨.૧૬ મીમી એટલે કે ૪.૮૦ ઈંચ વરસાદ થયો છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ ૯૨.૮ મીમી વરસાદ વરસ્યો છે. જે છેલ્લા ૭ વર્ષમાં બીજાે સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. છેલ્લા ૭ વર્ષમાં ૨૦૧૫ માં સૌથી વધુ સરેરાશ ૧૧૫.૨ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો સરેરાશ ૨૮ મીમી વરસાદ ૨૦૧૬ માં રહ્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૧૭ માં સરેરાશ ૮૬.૪ મીમી, વર્ષ ૨૦૧૮ માં સરેરાશ ૬૫.૨ મીમી, વર્ષ ૨૦૧૯ માં સેરાશ ૮૯.૬ મીમી અને વર્ષ ૨૦૨૦ માં સરેરાશ ૭૩.૨ મીમી વરસાદ નોંધાયો હતો. વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ચાલુ સાલે ઉત્તર ગુજરાતમાં ચોમાસુ તેના નિયત સમય કરતાં ૮ દિવસ વહેલું શરૂ થયું હતું. તેમજ ચોમાસાની એન્ટ્રીના પ્રથમ ૬ દિવસ સતત સાવર્ત્રિક વરસાદ સારો વરસાદ મળ્યો હતો.