બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસનાં આદેશ અપાયા

નવીદિલ્હી, બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોની મુશ્કેલીઓ વધી રહી છે. જણાવી દઇએ કે, ભારતીય વેક્સિન નિર્માતા કંપની પાસેથી કથિત રીતે ઉંચી કિંમતમાં વેક્સિનની ડીલ કરવાને લઇને બોલ્સોનારો પર હવે ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને આંચકો આપતા, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે વેક્સિન કૌભાંડમાં તેમની સામે ભ્રષ્ટાચારનાં આરોપોની ગુનાહિત તપાસને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ રોઝા વેબરે આ કેસની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ વિરુદ્ધ તપાસને સેનેટ સમિતિ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે,
જે કોવિડ-૧૯ રોગચાળાને લઈને સરકારનાં સંચાલન અંગે તપાસ કરી રહી છે. જણાવી દઇએ કેે, ૨૫ જૂનનાં રોજ, બ્રાઝિલનાં આરોગ્ય મંત્રાલયનાં આયાત વિભાગનાં વડા લુઇસ રિકાર્ડો મિરાંડા અને તેમના સાંસદ ભાઈ જેમના રાષ્ટ્રપતિ જાર સાથે ગાઢ સંબંધો હતા, તેમણે આરોપો પર સીનેટ સમિતિનાં સમક્ષ જુબાની આપી હતી.
રિકાર્ડો મિરાન્ડાએ આરોપ લગાવ્યો કે તેમના પર કોરોનાવાયરસ વેક્સિનનાં ૨૦ કરોડ ડોઝ માટે ભારતની ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે કરાર કરવા અયોગ્ય દબાણ બનાવવામાં આવ્યુ હતું. તેમણે સમગ્ર ડીલમાં ગેરરીતિઓ વિશે પણ વાત કરી હતી. મિરાન્ડાએ સિંગાપોર સ્થિત એક કંપની સાથે ૪૫ મિલિયનની એડવાન્સ ચુકવણી કરવાની હેરાફેરીનો પણ આક્ષેપ કર્યો હતો.
વળી હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદકે બુધવારે એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે, ૨૯ જૂન સુધી બ્રાઝિલની સરકાર તરફથી કોઈ આગોતરી ચુકવણી મળી નથી. આપણે જણાવી દઈએ કે, ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકનો બ્રાઝિલની સરકાર સાથે કોરોના રસી ‘કોવેક્સિન’ અંગેનો સોદો રદ કરવામાં આવ્યો છે.
બ્રાઝિલની સરકારે સોદામાં ભ્રષ્ટાચારનાં આરોપો બાદ કોવેક્સિનનાં ૨૦ કરોડ ડોઝ ખરીદવાના ભારત બાયોટેકનાં સોદાને સ્થગિત કરી દીધા છે . જણાવી દઇએ કે, બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ અનિયમિતતાનાં આક્ષેપો બાદ રસીનો આ કરાર રદ કરવાનો ર્નિણય લીધો છે, જેની જાણકારી મંગળવારે આરોગ્ય મંત્રી માર્સેલો કિરોગા દ્વારા આપવામાં આવી હતી.