લીંબડી-રાજકોટ હાઇવે પર અંદાજે ૭ જેટલા અજાણ્યા શખ્સોએ ૫થી ૬ ગાડીઓ લૂંટી

સુરેન્દ્રનગર, લીંબડી-રાજકોટ હાઇવે પર અંદાજે ૭ જેટલા અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ લૂંટની ઘટનામાં અંદાજે ૫થી ૬ ગાડીઓ લૂંટાઇ હતી. જેમાં રોકડા અને સોના ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. એક લાખથી વધુની લૂંટની ઘટના બનવા પામી હતી.
લીંબડીના છાલીયા તલાવ નજીકના આ બનાવમાં હાઈવે પર જઈ રહેલા અંદાજે ૫ થી ૬ વાહનોને રોકી ડ્રાઈવર અને કલીનરને માર મારી રોકડ, સોના ચાંદીના દાગીનાની લૂંટ? ચલાવવામાં આવી હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી – રાજકોટ હાઇવે પર રાત્રીના એક વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળામાં અંધારામાં અંદાજે ૭ જેટલા અજાણ્યા શખ્સોએ બંદુક, છરી જેવા હથિયાર વડે લુંટ ચલાવી હાઇવે પરના આઇશર અને ટ્રકો સહિતની ગાડીઓને આંતરીને રીવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી. રાત્રીના અંધારામાં લૂંટ ચલાવી રીવોલ્વર, તલવાર અને છરી સાથે આવેલા સાત જેટલા લૂંટારાઓ પોતાના વાહનમાં ફરાર થઇ ગયા હતા.
આ અંગે લીંબડી પીએસઆઇ વી.એન.ચૌધરીએ જણાવ્યું કે, આ ઘટના અંગે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવાની સાથે ઘટના સ્થળે રૂબરૂ જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે હાઇવે પર લૂંટનો ભોગ બનનારા આઇશર ચાલક રવિ પરમારે જણાવ્યું કે, અમે લોકો અમારી સફેદ કલરની આઇશર લઇને વાંકાનેરથી ચીખલી તરફ જઇ રહ્યાં હતા
ત્યારે લીંબડી મેલડી માતાના મંદિર નજીક અમે અગરબત્તી કરવા ગાડી ઉભી કરી હતી ત્યાં લૂંટારાઓ ગાડી ચાલકને પકડીને લઇ ગયા બાદ મને પણ પકડીને લઇ ગયા હતા અને પછી અમને બંનેને બાંધીને લાકડીથી માર મારી રાત્રે એક વાગ્યે પકડીને ત્રણ વાગ્યે છોડ્યા હતા. મારી પાસેના રૂ. ૧૨,૦૦૦ અને ગાડીમાં રાખેલા રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૩૨,૦૦૦ની લૂંટ ચલાવી હતી.