મોપેડની ટક્કર લાગતા ૭ વર્ષના માસૂમનું મોત
વડોદરા, વડોદરામાં નબીરાએ બેફામ બન્યા છે. હજુ તો અમદાવાદ શિવરંજની હીટ એન્ડ રનની શાહી સુકાઈ નથી ત્યાં રાજ્યમાં વધુ એક ઘટના ઘટી છે. વડોદરા શહેરમાં બેફામ બનેલા નબીરાઓએ એક બાળકનો ભોગ લઈ લીધો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં જીપની ટક્કરે સ્કૂટર પર સવાર બાળકનું કરૂણ મોત થયું છે.
બ્લેક કલરની વિકૃત રીતે મોડીફાઇડ થયેલી જીપનો અકસ્માત એટલો ગંભીર હતો કે જીપ ડિવાઇડરને ચીરીને તેની વચ્ચોવચ આવી ગઈ હતી. બનાવની વિગતો એવી છે કે માંજલપુરના મંગલેશ્વર મહાદેવ-સ્મશાન રોડ પર મોડિફાઇડ કરેલી જીપની ટક્કર વાગતા એક સાત વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું.
આ બાળક ટ્યૂશન સમાપ્ત કરી અને ભાઈ-બહેન સાથે સ્કૂટર પર ઘરે જઈ રહ્યો હતો. દરમિયાનમાં ત્યાંથી પસાર થઈ રહેલી એક વિકૃત જીપના ચાલકે ટક્કર મારી હતી. જીપ એટલી બેકાબૂ હતી કે તે ડિવાઇડર ચીરીને વચ્ચોવચ આવી ગઈ હતી જ્યારે ટક્કર વાગતાની સાથે સ્કૂટર પર બેસેલો કવિશ પટેલ નીચે પટકાયો હતો. આસપાસના લોકોએ અકસ્માતનો ભોગ બનનારા ભાઈ બહેનને હૉસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં આ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.