Western Times News

Gujarati News

નવસારીમાં તરૂણે મિત્રને ફોન કર્યા બાદ નદીમાં ઝંપલાવ્યું

નવસારી: શહેરનાં એક તરૂણ દર્શન સાવલિયાએ પૂર્ણા નદીમાં ઝંપલાવતા પહેલા પોતાના મિત્રને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. દર્શને મિત્રને એમ પણ કહ્યું હતું કે, સવારે પપ્પાને કહી દેજે. પરિવારનો એકનો એક દીકરો અચાનક ગુમ થતા પરિવાર પર આભ ફાટ્યૂં છે. જાેકે, ૧૦ કલાકથી વધુ સમયથી ફાયરબ્રિગેડની ટીમ નદીમાં શોધખોળ કરી રહી છે પરંતુ કાંઇ હાથમાં આવ્યું નથી. હજી સુધી આ યુવકનો કોઇ ભાળ મળી નથી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારીનાં જલાલપુર વિસ્તાર નજીક આવેલા અમૃતનગરમાં જીતેન્દ્રભાઇ સાવલિયા રહે છે. તેઓ સુરતમાં ધંધો કરે છે. તેમનો એકનો એક દીકરો દર્શન સાવલિયાએ ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી.

તે શનિવારે રાતે મિત્રના ઘરે હનુમાન પાઠ કરવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ પોતાનું ટુ વ્હીલર લઇને પૂર્ણા નદી પાસે પહોંચ્યો હતો. ત્યાંથી જ તેના મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, ‘હું પૂર્ણા નદીમાં ઝંપલાવું છું, તું સવારે પપ્પાને કહી દેજે. બસ આટલું કહીને ફોન કટ કરી દીધો હતો. ફોન કર્યાનાં આટલા કલાકો બાદ પણ ફાયરબ્રિગેડની ટીમ નદીમાં શોધખોળ કરી રહી છે પરંતુ હજી સુધી કોઇ ભાળ નથી મળી. બીજી તરફ દર્શન જે ટુ વ્હીલર પર આવ્યો હતો તે નદી પાસે જ પડ્યું છે. નદી પાસે રહેતા એક વ્યક્તિએ કોઇને નદીમાં કૂદતા જાેયું હતું.

કોઇ વ્યક્તિ નદીમાં કૂદીને એકવાર બહાર આવ્યો હતો અને બચાવો બચાવોની બૂમો પણ પાડતો હતો તેવું તેમણે જણાવ્યું હતું. તો બીજી તરફ એકનો એક દીકરો અચાનક ગુમ થઇ જતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. હાલ દર્શને આવું પગલું ભર્યું તે અંગેની કોઇ વિગતો સામે આવી નથી. પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આવો જ એક બનાવ થોડા મહિનાઓ પહેલા પણ બન્યો હતો.

નવસારીનાં જલાલપોરના મીઠાકુવામાં વિપુલભાઈ પટેલ (ઉ.વ. ૩૫) તેમની પત્ની અને ત્રણ વર્ષના સંતાન સાથે રહતા હતા. વિપુલ તેમની પત્ની સાથે જાણીતા રાજકીય અગ્રણીના ફેક્ટરીમાં સાથે કામ કરતો હતો. તે પોતાની બાઈક લઈને પૂર્ણા નદી ધારાગીરી પુલ પાસે આવ્યો હતો અને બાઈક પુલ ઉપર મૂકીને બપોરે ૩ વાગ્યાની આસપાસ પૂર્ણા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.યુવાને પોતાની પત્નિને અંતિમ મેસેજ સોરી કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.