સિધ્ધુને નાયબ મુખ્યમંત્રી બનાવવા મુખ્યમંત્રી અમરિન્દર સિંહની સંમતિ
ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પક્ષના રાજ્ય એકમમાં ઘેરાયેલા સંકટના નિવારણ માટે આગામી સપ્તાહે દિલ્હી જશે. કેપ્ટન, નવજાેતસિંઘ સિધ્ધુને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અથવા પ્રચાર સમિતિ અધ્યક્ષ બનાવવા માટે તૈયાર છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ કેપ્ટનને વિશ્વાસમાં લઇને જ અંતિમ ર્નિણય લેશે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદ માટે એક અગ્રણી હિંદુ નેતા, પંજાબ સરકારના એક મંત્રી એક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એક સાંસદ લાઇનમાં ઊભા છે. ૨૦૨૨ માં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટેની મહત્વપૂર્ણ સમિતિઓને અંતિમ રૂપ આપવાનું છે.
મુખ્યમંત્રીના નજીકના સૂત્રે જણાવ્યું કે આગામી હપ્તે યોજાનારી મુલાકાતમાં નવજાેતસિંઘ સિધ્ધુને પ્રદેશ સંગઠનમાં સમાવિષ્ટ કરીને પક્ષની મુશ્કેલી દૂર કરવાની ફોર્મ્યુલા વિષે કેપ્ટન તથા હાઇકમાન્ડ વચ્ચે ચર્ચા થશે. જાે કે આ બેઠકની તારીખ હજી નક્કી થઇ નથી.
આ સૂત્રે ઉમેર્યું કે પંજાબ કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ સુનિલ જાખડની વિદાય નિશ્ચિત છે. કેપ્ટને સંકેત આપ્યો છે કે એક હિંદુ નેતાને રાજ્યમાં પક્ષનું નેતૃત્વ કરવાનો મોકો આપવો જાેઇએ, સાથે જ સિધ્ધુને મોટી જવાબદારી સોંપવાની ચર્ચા ચાલી રહી છે. કેપ્ટન અને હાઇકમાન્ડ વચ્ચેની બેઠક પછી સ્થિતિ સ્પષ્ટ થશે.
પંજાબ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પંજાબ કોંગ્રેસની મુશ્કેલી કેપ્ટન વિરૂધ્ધ સિધ્ધુની નથી. મોટાભાગના ધારાસભ્યો મુખ્યમંત્રીની કાર્યશૈલીથી ખુશ નથી. પંજાબમાં આગામી વર્ષના પ્રારંભે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પક્ષનું આંતરિક સંકટ પક્ષ માટે એક પડકાર બની ચૂક્યું છે.
પક્ષ, રાજ્યમાં નેતૃત્વ બદલવાનું મોટું પગલું ઉઠાવવાની સ્થિતિમાં નથી. હાઇકમાન્ડે મુશ્કેલીના નિવારણ માટે ત્રણ સભ્યોની સમિતિ રચી હતી, જેણે એનો રિપોર્ટ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને સુપરત કર્યો છે. કેપ્ટનને કામ કરવા માટે ૧૮ સૂત્રી કાર્યસૂચિ આપવામાં આવી છે. પંજાબના મંત્રીમંડળમાં પરિવર્તનની સાથોસાથ અન્ય નેતાઓને પણ સ્થાન આપવામાં આવશે. સપ્તાહના પ્રારંભે નવજાેતસિંઘ સિધ્ધુએ નવી દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને પોતાની રજૂઆત કરી હતી.