Western Times News

Gujarati News

ભરૂચના ઓટો રીક્ષા ચાલકોની નગરપાલિકા હદ બહાર સીટી બસો ચાલવા સામે નારાજગી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિયેશન દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી નગરપાલિકા હદ બહાર સીટી બસો ચાલવા સામે નારાજગી દર્શાવી નિરાકરણ ન આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.નગરપાલિકા પ્રમુખે રાજ્ય સરકાર ના પરિપત્ર મુજબ નગર પાલિકા હદથી ૫ કી.મી સુધીના વિસ્તારમાં સીટીબસ દોડી શકે છે તેમ જણાવવા સાથે નિરાકરણ માટે ની હૈયાધારણા પણ આપી હતી.

ભરૂચના જય ભારત રીક્ષા એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખ ને પાઠવેલ આવેદનપત્ર માં જણાવ્યું છે કે ભરૂચ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં જરુરત પૂરતી માત્રામાં સીટી બસો ચલાવી નિયત કરેલ સીટીબસ સ્ટેન્ડ ઉપરથી નિયત સ્થળ ઉપર મુસાફરોને લાવવા લઈ જવા મુસાફરોનું વહન કરી શકે છે.જેનો અમોને કોઈ વાંધો નથી.નગરપાલિકા હદ વિસ્તાર તેમજ સીટીબસ સ્ટેન્ડ સિવાય મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે સિટીબસો ઉભી રાખી પેસેન્જરોનું વહન કરે છે.જેના પરિણામે પોતાની આજીવિકા એવી ઓટોરિક્ષા ચલાવી વર્ષોથી રોજ કમાઈને ખાનાર પોતાનું અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા ઓટોરિક્ષા ચાલકો માટે રોજીરોટી ઉપર ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.

ગરીબ ઓટોરિક્ષા ચાલકોના પરિવારોની આર્થિક પરિસ્થિતિ વિમાસણમાં ન મુકાય તેને ધ્યાને લઈ નિયત સંખ્યા સિટીબસો ચલાવવામાં આવે અને નિયત બસ સ્ટેન્ડથી બીજા નિયત બસ સ્ટેન્ડ સિવાય અન્ય કોઈ જગ્યાએ સીટીબસો રોકવામાં ન આવે કે પેસેન્જર બેસાડવામાં ન આવે.રોજીરોટી ગુમાવનાર અને આર્થિક તંગી અનુભવતાં ઓટોરીક્ષા ચાલકો પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે ગુનાહિત માર્ગ તરફ જાય નહીં,જેનું ધ્યાન લેવું જાગૃત અને ભરૂચના ચૂંટાયેલા સક્ષમ અને પ્રથમ નાગરિક તરીકે આપણી ફરજમાં છે.જેથી તાત્કાલિક  ધોરણે  સુખદ નિરાકરણ નહિ આવે તો બે દિવસમાં અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી ઉચ્ચારવામા આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.