કાર ચાલક યુવાન પાસે લીફ્ટ માંગી ફસાઇ યુવતી, પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર બાંધ્યા સંબંધ
સુરત: ડિંડોલીની ડિવોર્સી મહિલાને કારમાં લિફ્ટ આપતા થયેલી મિત્રતા બાદ વડોદરાના યુવકે લગ્નની લાલચે વારંવાર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી મહિલાને ધમકી આપતા તેણીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગણત્રીના કલાકોમાં બળાત્કાર ગુજારનાર નરાધમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડિંડોલી વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય મહિલાના છ માસ પહેલા પતિ સાથે છૂટાછેડા થયા હતા. આ મહિલા બે સંતાનો સાથે ગુજરાન ચલાવવા માટે શાકભાજીનો વેપાર કરે છે. દરમિયાન ચારેક મહિના પહેલા મહિલા સણીયા કણદે ગામ ખાતે મકાન જાેવા માટે ગઈ હતી. ત્યારે બસ સ્ટેન્ડ પાસે ઇકો કાર લઈને પસાર થતા રાહુલ નવલસિંહ બુધ્ધીલાલ બારીયા પાસે લીફ્ટ માંગી હતી. લીફ્ટ આપતા રાહુલ સાથે રસ્તામાં બન્નેનો પરિચય થયો હતો. બંને વચ્ચે મોબાઈલ ફોન નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ વાતચીત થતા પ્રેમસંબંધ બંધાયો હતો.
રાહુલએ મહિલાને તેના સંતાનો સાથે અપનાવવાની વાતો કરી શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હતી. ત્યારબાદ મહિલાના ઘરે, વાપી, દમણ ફરવાના બહાને ત્રણેક વખત લઈ જઈ હોટલમાં શરીર સંબંધ બાંધ્યો હતો.બાદમાં રાહુલે મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. મહિલાએ કારણ પૂછતા કહ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરૂ તો લગ્નની લાઈન લાગે, તારા જેવી કેટલી આવીને ગઈ, આજ પછી સંપર્ક કરતી નહીં, ઇચ્છા થશે ત્યારે તારી પાસે આવીશ, તારે મને શરીર સંબંધ બાંધવા દેવો પડશે. કોઈને જાણ કરી તો તને અને સંતાનોને જાનથી મારી નાખીશ.
જાેકે, આ ઘટના બાદ ફરીવાર રાહુલે મહિલાને ફોન કરીને પોતાની પાસે આવવાનું કહ્યું હતું, જેથી ડરી ગયેલી મહિલાએ તેના ભાઈને સમગ્ર હકીકત જણાવી હતી અને ગઈકાલે મોડી રાત્રે રાહુલ બારીયાની સામે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સમગ્ર મામલે ગણતરીના કલાકોમાં રાહુલ બારીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.