પત્ની રિસાઇ જતી રહેતા પતિએ આપધાત કરી લીધો
મોરબી: પતિ પત્ની વચ્ચે બોલાચાલી , રીસામણા અને મનામણાં ચાલ્યા કરતા હોય છે.પરંતુ બંને સબંધો વચ્ચે જયારે લડાઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે ન થવાના બનાવો બનવા લાગે છે અને ક્યારેક ક્યારેક પતિ પત્ની વચ્ચેના સબંધોનું અંત આવી જતું હોય છે. અને આવી જ એક ઘટના રાજ્યમાં બની હતી. જેમાં પત્ની રિસાઈ જતા પતિએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું.
મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવકે ગતરાત્રે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પત્ની રિસામણે પિયરમાં ચાલી જતા મૃતકને લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ લૂકાસો સીરામીક કારખાના રહીને મજૂરી કામ કરતા સુનિલભાઈ માંગીલાલ પારઘી (ઉ.વ.૨૧) નામના પરપ્રાંતીય યુવકે ગતરાત્રીના ૧૦ વગ્યાની આસપાસ પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ. આર.બી. વ્યાસે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે, મૃતકના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા.પણ પત્ની સાથે કોઈને કોઈ બાબતે ઝઘડા થતા તે રિસામણે પિયર ચાલી ગઈ હતી. દરમિયાન મૃતક યુવાન એક મહિના પહેલા મજૂરી કામે મોરબી આવ્યો હતો. આથી પત્ની સાથે ફરી સમાધાન કરીને તેડી લાવ્યો હતો. પણ પત્ની સાથે મનમેળ નહિ જામતા ઝઘડા થતા ફરી પત્ની રિસામણે પિયર ચાલી ગઈ હતી. આથી આ બાબતે મનોમન લાગી આવતા યુવકે આ અંતિમ પગલું ભરી લીધાનું પોલીસે જણાવી આગળની તપાસ હાથ ધરી છે.