તારી પત્ની ગમે છે, ૮૦ હજાર આપું મારા ઘરે મોકલી આપ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
સુરત: એક વિચિત્ર કેસમાં પરિણિત મહિલા સમક્ષ અભદ્ર માગણી કરીને તેને પોતાના ઘરે આવી જવા કહેતા સંબંધી વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે આરોપીએ પહેલા તો મહિલાના પતિને ફોન કરીને અભદ્ર ભાષામાં વાત કરતા જણાવ્યું હતું કે તારી પત્ની મને ગમે છે, અને મારે તેને મારા ઘરમાં બેસાડવી છે.. પોતાની અભદ્ર માગણીના બદલામાં તેણે ૮૦ હજાર રુપિયા પણ ઓફર કર્યા હતા.
સુરતના લંબે હનુમાન રોડ પર આવેલી પરિમલ સોસાયટીમાં રહેતા ભરત રાઠોડને થોડા દિવસ પહેલા તેના એક સંબંધી રમેશ ડાભીએ ફોન કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેણે પોતાનું મકાન વેચી માર્યું છે, અને તેની પાસે ૮૦ હજાર રુપિયા પડ્યા છે. રમેશે ભરતને કહ્યું હતું કે તેની પત્ની પોતાને ગમે છે, અને તે ૮૦ હજારના બદલામાં પત્નીને પોતાના ઘરે મોકલી આપે. રમેશની આ વાત સાંભળીને ભરત ભડક્યો હતો. બંને વચ્ચે આ મામલે ફોન પર બબાલ થતાં આખરે ભરતે ફોન કાપી નાખ્યો હતો. જાેકે, ભરત કામ પર ગયો હતો તે વખતે તેની પત્ની જાગૃતિ (નામ બદલ્યું છે) ઘરે એકલી હોવાનું જાણતા રમેશે તેને ફોન કર્યો હતો અને લાજશરમ નેવે મૂકી તેને કહ્યું હતું કે તું મને ગમે છે, અને મારે તારી સાથે જ રહેવું છે. હું તારા પતિને પૈસા આપી દઈશ, તું મારા ઘરે આવી જા.
રમેશની વાતો સાંભળી ડઘાઈ ગયેલી જાગૃતિએ તેને ફોન પર જ ધમકાવ્યો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા રમેશે ગાળાગાળી શરુ કરી હતી. તેણે જાગૃતિને ધમકી આપી હતી કે જાે તે પોતાની પાસે ના આવી તો પોતે તેના પતિ અને બાળકોને પતાવી દેશે. આ વાત સાંભળી જાગૃતિએ ફોન કાપી નાખ્યો હતો અને પોતાના પતિ ભરતને આ અંગે જાણ કરી હતી.
રમેશ સંબંધી થતો હોઈ ભરત અને જાગૃતિ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા હતા. જાેકે, સાંજે રમેશે જાગૃતિને વોટ્સએપ પર ધમકીભર્યા મેસેજ કરી પોતાની વાત માની લેવા માટે જણાવ્યું હતું. રમેશ આ મામલે વધારે આગળ વધે તે પહેલા જ ભરત અને જાગૃતિએ વરાછા પોલીસ સ્ટેશનમાં રમેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.