કોરોનાથી સાજા થયેલા દર્દીના હાડકાં ગળવાની નવી સમસ્યા
નવી દિલ્હી: કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોમાં મ્યુકરમાયકોસિસની સમસ્યા તો જાેવા મળી જ છે પણ હવે એક નવા પ્રકારનો રોગ કોરોનાના રિકવર થયેલા દર્દીઓમાં જાેવા મળી રહ્યો છે. જેનાથી ડોકટરોનુ ટેન્શન વધી ગયુ છે. એવેસ્કુલર નેક્રોસિસ નામના આ રોગમાં માણસોના હાડકાં ગળવા લાગે છે. જેને બોન ડેથ પણ કહેવાય છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે એવેસ્કુલર નેક્રોસિસના ત્રણ કેસ મુંબઈમાં સામે આવ્યા છે. ડોકટરોને એ વાતની ચિંતા છે કે, આવનારા દિવસોમાં એવેસ્કુલર નેક્રોસિસના કેસ વધી શકે છે.
આ રોગ માટે દર્દીઓને સારવારમાં અપાતુ સ્ટેરોઈડ એક મોટુ કારણ મનાઈ રહ્યુ છે. અહેવાલ પ્રમાણે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં એવેસ્કુલર નેક્રોસિસના ૪૦ વર્ષથી ઓછી વયના ત્રણ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ દર્દીઓ કોરોનાથી રિકવર થયાના બે મહિના બાદ એવેસ્કુલર નેક્રોસિસના શિકાર બન્યા હતા. આ દર્દીઓને જાંઘના હાડકામાં દુખાવાની ફરિયાદ હતી.
મેડિકલ જર્નલ બીએમજે કેસ સ્ટડિઝમાં એવેસ્કુલર નેક્રોસિસ બીમારી પર એક સંશોધન પણ પ્રકાશિત થયુ છે. આ સિવાય બીજા ડોક્ટર્સે પણ એવેસ્કુલર નેક્રોસિસના કેસ જાેવા મળ્યા હોવાની કબૂલાત કરી છે.
જર્નલમાં પ્રકાશિત લેખમાં પણ જણાવાયુ છે કે, કોરોનાની સારવાર દરમિયાન કોર્ટિકોસ્ટેરોઈડ્સ પ્રીડનીસોલોનનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે એવેસ્કુલર નેક્રોસિસના કેસ હવે સામે આવી રહ્યા છે.