Western Times News

Gujarati News

રાજ્યભરમાં આજે કોરોના રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે

Files Photo

અમદાવાદ: આવતીકાલે એટલે કે બુધવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બુધવારે મમતા દિવસ હોવાથી આખા રાજ્યમાં કોરોના રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે. જાે કે, બીજી તરફ સરકાર પાસે વેક્સિનો સ્ટોક મર્યાદિત હોવાને કારણે મમતા દિવસના નામ એક દિવસ વેક્સિનેશન બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.

મ્યુનિસિપલ ઓફિસરના જણાવ્યા અનુસાર શહેરના ચોક્કસ વિસ્તારોમાં વેપારી-ફેરિયાઓ તથા ઝૂપડપટ્ટી વગેરે જગ્યાએ લોકો વેક્સીન અંગે ફેલાયેલી અફવાથી ડરી રસી મુકાવવા આગળ નથી આવતા. તેથી તેમને પોલીસ, એસ્ટેટ તથા યુસીડી સહિતના વિભોગાની મદદથી સમજાવીને વેક્સિન માટે ઝુંબેશ આદરવામાં આવી છે. આ દરમિયાન સોમવારે જુદા-જુદા સેન્ટરો ખાતે ૧૮૬૩૩ પુરુષ અને ૧૫૩૪૮ મહિલા મળી કુલ ૩૩૯૮૧ લોકોને વેક્સિનતી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સોમવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા ૬૨ કેસ નોંધાયા છે. જેની સામે ૧૯૪ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્‌ છે. જાે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૨ દર્દીના મોત થયા છે જેથી કુલ મૃત્યુઆંક ૧૦,૦૭૧ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૪૯ ટકા છે.

ગુજરાતમાં સોમવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં કુલ ૨,૯૯,૬૮૦ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૩૩૯૮૧ વ્યક્તિઓને અને સુરત શહેરમાં ૨૦,૬૩૭ વ્યક્તિઓને જ્યારે વડોદરા શહેરમાં ૧૫,૬૮૩ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રાજ્યમાં પ્રથમ અને બીજાે ડોઝ મળીને કુલ ૨,૭૧,૦૭,૪૦૫ વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.