શિકારથી બચીને ભાગેલા બે સિંહ બાળ કૂવામાં પડ્યા
જુનાગઢ: ગુજરાતમાં ગીરના સિંહોના હવે જંગલ બહાર આંટાફેરા જાેવા મળી રહ્યાં છે. આવામાં ગીર સોમનાથમાં કૂવામાં બે સિંહ બાળ પડવાની ઘટના બની હતી. જેમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા તેમનુ રેસ્ક્યૂ કરાયું હતું.
વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સિંહના બે બચ્ચા ફટસર ગામના એક કૂવામાં સોમવારે પડી ગયા હતા. આ વિસ્તાર ગીરના જંગલોમાં ગીર ઈસ્ટ ડિવિઝનના જસધર રેન્જમાં આવે છે. રેસ્કયૂ બાદ તેમને જસધર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. હાલ આ સિંહના બચ્ચાઓની માતા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છીએ.
ગીર ઈસ્ટ ફોરેસ્ટ ડેપ્યુટી કન્ઝર્વેટર અંશુમન શર્માએ કહ્યું કે, સિંહના આ બંને બચ્ચાની ઉંમર ૮ થી ૧૨ મહિના વચ્ચેની છે. સોમવારે રાત્રે તે એક ખુલ્લા કૂવામાં પડી ગયા હતા.
જાેકે, કૂવામાં પાણી હતું, પણ બંને બચ્ચા કૂવાની અંદર એક નાનકડી જગ્યામાં ઘૂસીને બેસ્યા હતા. જેથી તેમનો જીવ બચી ગયો હતો. સવારે એક ખેડૂતની નજર કૂવા પર પડી હતી. તેણે વન વિભાગને આ અંગેની જાણ કરી હતી. તેના બાદ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, કદાચ કોઈ શિકાર આ સિંહ બાળનો પીછો કરી રહ્યો હતો, તેથી આ બચ્ચા કૂવામાં પડ્યા હતા. હાલ અમે તેના માતાની શોધ કરી રહ્યાં છે. હાલ બંને એનિમલ કેર સેન્ટરમાં સુરક્ષિત છે. તેમની માતા મળશે તો તેમને તેની પાસે છોડી દેવાશે.