તું થમ્સઅપમાં દારૂ પીવે છે કહી પોલીસે માર મારી ૩૦ હજાર લૂંટી લીધા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/colddrink.jpg)
વેસુમાં હેપ્પીહોલ માર્ક કોમ્પ્લેક્ષ પાસેની ઘટના
ઉમરા પોલીસ મથકના કોન્સ્ટેબલ અને પોલીસ પુત્રનું કારસ્તાન : અપહરણ વિથ લૂંટનો ગુનો દાખલ
સુરત, અલથાણ વિસ્તારમાં રહેતો યુવક ત્રણ દિવસ અગાઉ વેસુમાં અગ્રવાલ સ્કૂલ પાસે આવે હેપ્પીહોલ માર્ક કોમ્પલેક્ષના પાર્કીંગની અંદર બાઇક પર બેઠો હતો. બાઈક પર બેઠા બેઠા યુવક સિગરેટ સાથે થમ્સઅપ પી રહ્યો હતો. આ સમયે ઉમરા પોલીસ મથકનો એક વર્દીમાં પોલીસ કર્મચારી અને એક પોલીસપુત્ર કારની અંદર તેમની પાસે આવ્યા હતા.
તેઓએ તું થમ્સઅપની અંદર દારૂ પી રહ્યો છે. તારી સામે પોલીસ કેસ કરી તને જેલમાં મૂકવો પડશે તેવી ધમકી આપી હતી તેને ગાડીમાં બેસાડી દીધો હતો. બાદમાં યુવકને કારમાં ફેરવી માર મારી પોલીસે ૩૦ હજારનો તોડ કર્યો હતો. જેથી ત્રણ દિવસ બાદ આખરે યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે પોલીસ કર્મચારી અને પોલીસ પુત્ર સામે અપહરણ અને લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
અલથાણ ટેનામેન્ટ પાસે સુયોગનગર સોસાયટીમાં રહેતા નીરવ ભાવેશ સોની (ઉ.વ.૨૬) નાનપુરા કનકનીધી કોમ્પ્લેક્ષમાં પલ્સ ટેકનોલોજી નામની ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરે છે. નીરવ ગત તા ૩જીના રોજ સાંજે સાતેક વાગ્યે વેસુ અગ્રવાલ સ્કુલની પાસે આવેલ હેપ્પીહોલ માર્કે કોમ્પ્લેક્ષમાં આવેલ પાન પાર્લર પરથી સીગારેટ અને થમ્સઅપની બોટલ લઈ પાકિંગમાં તેની સુઝુકી એક્સેસ મોપેડ પર બેસી પીતો હતો.
તે વખતે લાલ કલરની સ્વીફ્ટ કારમાં બે જણા આવ્યા હતા. જેમાં એક જણાએ પોલીસ કોન્સ્ટેબલનો ખાખી ડ્રેસ પહેર્યો હતો અને નેમ પ્લેટ ઉપર વિલેશ ફતેસિંહ નામ લખ્યું હતું. જયારે બીજા સાદા કપડા પહેર્યા હતા. બંને જણાએ નીરવને થમ્સઅપમાં તુ દારૂ પીવે છે તને જેલમાં મુકી દેવો પડશે તેમ કરી દમ મારી પુછપરછ કરી ફેટ અને લાફા માર્યા હતા.
ત્યારબાદ નીરવને કારમાં બેસાડી આજુબાજુના એકથી દોઢ કિલોમીટર વિસ્તારમાં ફેરવ્યો હતો. અને તારે જેલમાં ન જવુ હોય તો ૫૦ હજાર આપવા પડશે કહી ફરીથી લાફા માર્યા હતા. બાદમાં તેના પર્સમાંથી રોકડા ૫ હજાર કાઢી લીધા હતા. નીરવે બાકીના પૈસા આપવાની ના પાડતા ચાલુ ગાડીમાં મોબાઈલમાં ગુગલ પે એપ્લીકેશન ઓપન કરાવી બળજબરીથી પાસવર્ડ નખાવી તેમાંથી બે તબક્કામાં ૨૫ હજાર ટ્રાન્જકેશન ચીન્ટુ દુબેના ગુગલ પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
ત્યારબાદ કોઈ પણ કેસ કર્યા વગર નીરવને પરત હેપ્પીહોલ માર્કે કોમ્પ્લેક્ષના પાકિંગમાં તેની મોપેટ પાસે ઉતારી નાસી ગયા હતા. નીરવે ઘરે ગયા બાદ તેના મિત્રને વાત કરી ગઈકાલે ફરિયાદ નોઁધાવી હતી. પોલીસે નીરવની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ વિલેજ ફતેસિંહ ઉમરા પોલીસ મથકમાં પીએસઓની સાથે પીકેટમાં પરજ બજાવે છે જયારે તેની સાથે સાદા કપડા તેનો મિત્ર દિનેશ રાજેન્દ્ર પાટીલ (રહે, ડિંડોલી) હોવાનુ બહાર આવ્યું છે. દિનેશ પોલીસ પુત્ર છે અને જીંજીર હોટલમાં નોકરી કરે છે. પોલીસે બંને જણાની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી છે.