દીકરીની ખબર પૂછવા વેપારી મુંબઈ ગયો અને બે નોકરાણીએ ઘરમાંથી છ લાખનો હાથફેરો કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/Theft-at-home.jpg)
પ્રતિકાત્મક
સિટીલાઇટમાં વેપારીના ઘરમાં ચોરી -બંને નોકરાણીએ ત્રણ માળના બંગલાના તમામ બેડરૂમના તાળા તોડી નાખ્યા
સુરત, સિટીલાઇટ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીની દીકરીની મુંબઈમાં તબિયત બગડતા તેઓ પરિવાર સાથે તાત્કાલિક ધોરણે મુંબઈ નીકળી ગયા હતા. જોકે આ તકનો લાભ લઇ બે નોકરાણીઓએ ઘરના પાછળના ભાગમાંથી ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ બંને નોકરાણીઓએ ત્રણ માળના બંગલાના તમામ બેડરૂમમાં તાળા તોડી નાખી કબાટમાં મુકેલા રોકડા રૂપિયા ૪ લાખ તથા બે લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે આખરે વેપારીને સુરત આવ્યા બાદ જાણ થતાં તેઓએ આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વેપારીની ફરિયાદ લઇ બંને નોકરાણીઓ સામે ૬ લાખની નોકર ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બિહારના ભાગળપુરના વતની અને હાલમાં સીટીલાઈટ અણવ્રતદ્વાર પાસે અભિષેક બંગ્લોઝમાં રહેતા ૫૮ વર્ષીય સંજયભાઈ બિનોદભાઈ કેજરીવાલ પુણા કુંભારીયા રોડ એન.એસ.ટી.એમમાં દુકાન નંબર- ૩૦૧૩માં છેલ્લા ૨૫ વર્ષથી નવીન પ્રિન્ટ્સના નામે ધંધો કરે છે.
સંજયભાઈએ તેમના ઘરમાં કામકાજ માટે પનાસ ખાતે રહેતા ગરીમા અને સીતા નામની નોકરાણી રાખી હતી. સંજયભાઈની ચાંદની નામની દીકરી મુંબઈમાં રહે છે અને ત્યાં એ.એન.ઝેડ બેન્કમાં નોકરી કરે છે. દરમ્યાન ગત તા ૨૯મી જુનના રોજ ચાંદનીને પેટમાં સતત દુખાવો ઉપડતા તેના સહકર્મચારી સુરેન્દ્ર તાબડતોડ સારવાર માટે હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ સંજયભાઈને ફોન કરી જાણ કરી હતી.
દીકરીની તબીયત બગડતા તેની ખબર અંતર કાઢવા માટે સંજયભાઈ, પત્ની અને દીકરા સાથે મુંબઈ ગયા હતા. ગત તા ૩ માર્ચના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે નોકરાણી સીતાએ સંજયભાઈની પત્નીને ફોન કરી દીકરીના ખબર અંતર પુછ્યા હતા અને કયારે સુરત આવો છો હોવાની વાત કરી હતી.
તેમજ ઘરમાં ઝાડુ પોતા કરી દઈશ તમે ચિંતા નહી કરતા હોવાનુ કહી ફોન કટ કર્યો હતો. ત્યારબાદ બંને નોકરાણીઓએ મોકાનો ફાયદો ઉઠાવી કબાટમાંથી રોકડા ૪ લાખ અને દાગીના મળી કુલ રૂપિયા ૬ લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા.
૪ જુલાઈના રોજ સંજયભાઈ પરિવાર સાથે સુરત આવવા નિકળયા હતા તે વખતે તેની પત્નીએ નોકરાણીને ફોન કરતા સ્વીચ ઓફ આવ્યો હતો. અને સાંજે ઘરે આવતા હોલના સોફા દિવાથી દુર અને કાચની સ્લાઈ઼ડીંગ બારી ખુલ્લી હાલતમાં હતી. ઘરમાં ચોરી થઈ હોવાની શંકા જતા તપાસ કરાત પાછળની લોખંડની ગ્રીલવાળી જાળીનું, ગેસ્ટરૂમ અને ઉપરના ત્રણ માળના બેડરૂમના તાળા તુટેલા હતા અને કબાટમાંથી રોકડા ૪ લાખ અને દાગીના ૨ લાખ મળી કુલ ૬ લાખના મતાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અગે પોલીસે સંજયભાઈની ફરિયાદ લઈ બંને નોકરાણી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.