પતિને મૃત જાહેર કરી પત્ની વીમાના આઠ લાખ રૂપિયા ચાઉં કરી ગઈ
પતિએ પત્ની સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી
(પ્રતિનિધિ) અમદાવાદ, મુળ મધ્યપ્રદેશના આધેડ પોતાના પરીવાર સાથે અમદાવાદમાં રહેતા હતા જેમને કેટલાંક સમય અગાઉ પત્નીએ નાણાંભીડનું બહાનું કાઢીને વતન મોકલી દીધા હતા ત્રણ મહીના બાદ પરત ફરેલા આધેડ સાથે ઝઘડો કરી પત્નીએ કાઢી મુકતા તે રસ્તા પર આવી ગયા હતા
દરમિયાન તેમને મરણ ગયાનું જાહેર કરી પત્નીએ વીમાનાં આઠ લાખ રૂપિયા પણ મેળવી લીધાની જાણ થતાં ડઘાઈ ગયેલા આધેડે પત્ની વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. અડતાલીસ વર્ષીય નિમેષભાઈ મરાડી બુરહાનપુર મધ્યપ્રદેશના વતની છે તે ચેહરનગર, નરોડા ખાતે રહે છે પરીવારમાં પત્ની નંદાબેન તથા બે પુત્રીઓ હતી
બંને પુત્રીઓને પરણાવી સાસરે વળાવ્યા બાદ નિમેષભાઈ પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતા હતા એ દરમિયાન તેમણે વીમો પણ ઉતરાવ્યો હતો આશરે ત્રણેક વર્ષ અગાઉ તેમની પત્ની નંદાબેને હાલમાં આપણી પાસે કોઈ કામ નથી અને મકાનનું ભાડું પોસાય તેમ નથી
જેથી હું દિકરી સાથે રહુ અને તમે મધ્યપ્રદેશ જતાં રહો તેમ કહેતાં ત્રણ મહીના માટે નિમેષભાઈ વતન જતા રહયા હતા જયાંથી પરત ફર્યા ત્યારે પત્ની નંદાએ તેમની સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકયા હતા.
જેના પગલે નિમેષભાઈ મજુરી કરી રાત્રે રોડ પર સુઈ જતા હતા
બીજી તરફ તેમની પત્નીએ વીમા કંપનીમાં તે મરી ગયા હોવાનું સર્ટીફીકેટ આપીને આઠ લાખ રૂપિયા મેળવી ચાઉં કરી લીધા હતા. આ અંગેની જાણ થતા તેમણે નંદાબેનને પૂછયુ હતું જાેકે જવાબ આપવાને બદલે ફરી ઝઘડો કરી તેમને કાઢી મુકતાં છેવટે નિમેષભાઈએ પત્ની વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ ઘટના બહાર આવતા સૌ ચોંકી ગયા છે.