ગાંધીનગરમાં કારના કાચ તોડી કિંમતી સામાનની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
ગાંધીનગર: ગાંધીનગર સહિતના વિસ્તારોમાં જાહેર સ્થળો પર પાર્ક કરેલી કારનો કાચ તોડી અંદરથી કિમતી સામાનની ચોરી કરી નાસી જતી ગેંગનાં બે સાગરિતોને ઝડપી લઈ કારના કાચ તોડતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે આ ગુનાના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ અમદાવાદના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી અને દારૂના ૩૧ ગુના નોંધાયા હોવાની પણ હકીકત પોલીસ તપાસમાં ખુલવા પામી છે.
ગાંધીનગરનાં સેકટર ૭/ડી ખાતે રહેતા વિરમભાઈ ગઢવીએ ગત તારીખ ૦૪થી જુલાઈના રોજ સાંજના સમયે ભાટગામ એપોલો સર્કલ નજીક આવેલી રાધે ફોર્ચ્યુનનાં પાર્કિંગમાં કાર પાર્ક કરી હતી. ત્યારે તેમની કારના ડ્રાઇવર સાઈડનો કાચ તોડી અંદરથી અજાણ્યા ઈસમો લેપટોપ બેગ અગત્યના કાગળિયા તેમજ રૂપિયા ૨૫ હજાર રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
આ અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં કારના કાચ તોડની ઘટનાઓ પ્રકાશમાં આવતા જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ કારના કાચ તોડી ચોરી કરતી ગેંગને ઝડપી લેવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે અન્વયે ચિલોડા પોલીસ દ્વારા ઉપરોક્ત ગુના સંદર્ભે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ થકી તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો હતો. જેનાં પગલે રિક્ષામાં આવી કારના કાચ તોડી ચોરી કરતી ગેંગના અકબર દિલદારભાઈ સૈયદ (રહે નરોડા પાટિયા જવાહર નગર) અને શાહરુખ ખાન ફિરોઝખાન પઠાણ (રહે ફકીરભાઈની ચાલી રખિયાલ)ની ધરપકડ કરી કડકાઈથી પૂછતાંછ કરવામાં આવી હતી.
આ અંગે અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે એસ દવેએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત બન્ને ચોરો સરદાર નગર મસાણીયાના મકાનમાં રહેતા રિતેશ ઉર્ફે અંધો ફૂલચંદ છારા તેમજ છારા નગરનાં પીન્કેશ દીરર્સિંગ માછરેકર (રાઠોડ) સાથે મળી રિક્ષામાં ગાંધીનગર આવ્યાં હતાં અને ઉપરોક્ત કારના કાચ ડિસમિસ વડે તોડી ચોરી કરીને નાસી ગયા હતા.
રિતેશ વિરોધ સેટેલાઈટ, નારણપુરા, ખોખરા, સોલા, સરદારનગર, માધવપુરા, વસ્ત્રાપુર, ચાંદખેડા, સાબરમતી, આનંદનગર, સરખેજ તેમજ ગ્રામ્ય પોલીસ મથકમાં ચોરી અને દારૂના ૩૧ ગુનાઓ રજિસ્ટર થયેલા છે. જેની વર્ષ ૨૦૧૯માં બે વખત પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી છે. હાલમાં આ બન્ને આરોપીઓની ધરપકડ કરી ફરાર બે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.