Western Times News

Gujarati News

૨૧મી જૂને વડોદરા જિલ્લામાં ૧,૮૨૦ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસની કરાશે ઉજવણી

વિદ્યાર્થી સિવાયના વર્ગના લોકોને પણ યોગ દિવસની ઉજવણીમાં જોડવા જિલ્લા કલેક્ટર શ્રીમતિ અગ્રવાલનું સૂચન

વડોદરા સયુંક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવાની છે ત્યારે વડોદરામાં જિલ્લામાં યોગ દિવસની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે માટે વિરાટ અને વિસ્તૃત આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. શહેરના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિત પાંચ સ્થળોએ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લાં કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓએ વિદ્યાર્થી સિવાય લોકો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા ઉપર ભાર મૂક્યો હતો. તેમજ સોશિયલ મીડિયા ઉપર વિશ્વ યોગ દિવસની પ્રચારની ઝૂંબેશ ચલાવવાની અને તેના થકી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં લોકો જોડાય તેવા જરૂરી સૂચનો અધિકારીશ્રીઓને આપ્યા હતા.

જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જિલ્લાભરના અધિકારીઓ પાસેથી કાર્યક્રમના આયોજન અને સ્થળ પસંદગી અંગીની માહિતી મેળવી હતી. સ્વૈચ્છિક સંસ્થા જેવી કે, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ, નહેરૂ યુવા કેન્દ્ર, બહ્માકુમારી, પંતજલિ યોગ સમિતી મહિતીની સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે યોગ દિવસના કાર્યક્રમના આયોજન અંગેની ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

જિલ્લાભરમાં યોગના ૧૮૨૦ સ્થળો પર કાર્યક્રમ યોજાવાના છે. તેમાં જિલ્લા કક્ષાના શહેરમાં  સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, માંજલપુર સ્પોર્ટસ કોલ્પલેક્ષ, કમાટી બાગ, એમ.એસ. યુનિવર્સિટી પેવેલીયન અને અકોટા કોમ્પલેક્ષ ખાતે યોજાશે. આ ઉપરાંત મહાનગરપાલિકા કક્ષાના ૧૨,  નગરપાલિકા કક્ષાના ૮, તાલુકા કક્ષાના ૧૬, શૈક્ષણિક સંસ્થા દ્વારા ૧૭૨૧ અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ૨૮ અને અન્ય ૩૦ જેટલા કાર્યક્રમો યોજાશે. આમ વિરાટ અને વિસ્તૃત આયોજન વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને રાજ્યમાં આવેલ જેલોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લમાં આવેલ મોટા ઔદ્યોગિક ગૃહો અને જી.આઇ.ડી.સી. એસ્ટેટમાં પણ કાર્યક્રમ યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી કેતુલ મહેરિયા, પ્રાંત અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સહિતના અધિકારીશ્રીઓ અને જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.