સ્વીટીબેન ગુમ થવામાં PI પતિની શંકાસ્પદ ભૂમિકા
વડોદરા: વડોદરામાં કરજણના પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસ આકાશપાતાળ એક કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ સુરાગ હાથ લાગ્યો નથી. સ્વીટી પટેલ છેલ્લા દહેજમાં દેખાઈ હોવાના સમાચાર મળતા પોલીસની ટીમે દહેજમાં ૨૦ કિલોમીટર સુધી ડ્રોન સર્વેલન્સથી વિસ્તાર ખૂંદ્યો હતો. પરંતુ કંઈ મળ્યુ નથી. જાેકે, આ વાતમાં નવો વળાંક આવ્યો છે. સ્વીટી પટેલ ગુમ થયા બાદ પીઆઈ અજય દેસાઈ પણ ભરૂચ ગયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે હવે એફએસએલની ટીમે પીઆઈના સમા સાવલી રોડના ભાડાના પેન્ટ હાઉસ અને જીપ કારની તપાસ કરી છે. સાથે જ પાટણના તબીબની કેફિયતને આધારે પોલીસે સ્વીટી પટેલ સાથે દેખાયેલા વ્યક્તિનો સ્કેચ તૈયાર કર્યો છે. સાથે જ પીઆઈ અજય દેસાઈનો પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાશે.
પોલીસે દહેજ વિસ્તારમાં ડ્રોનથી સર્ચ માર્યું પણ કંઈ હાથ ન લાગ્યું. પોલીસે દહેજ, અટાલી અને આસપાસના ૨૦ કિમી વિસ્તારમાં ડ્રોન કેમેરાથી સર્ચિંગ કર્યું હતું, જાેકે પોલીસને સ્વીટીબેન અંગે કોઈ પુરાવા ન મળ્યા. આ ઉપરાંત પોલીસે ઝાડી ઝાંખરાં, નદી-તળાવો અને અવાવરુ જગ્યાઓએ તથા મેદાનોમાં સર્ચ કર્યું હતું. લાંબો વિસ્તાર હોવાથી ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. તો બીજી તરફ, પોલીસે પીઆઇ અને તેમનાં પત્નીની કોલ ડિટેઇલ પણ મંગાવી છે. બંનેએ છેલ્લાં કોની કોની સાથે કયા સંદર્ભમાં વાતચીત થઇ હતી તે મુદ્દા પર તપાસ
કરાશે.
સમગ્ર મામલામાં પીઆઈ અજય દેસાઈની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. પીઆઇ દેસાઇની વર્તણૂક અંગે સીડીએસ ટેસ્ટ કરાવવા બુધવારે પીઆઇને લઇ પોલીસ ગાંધીનગર પહોંચી હતી. સ્વીટીબેન સાથે લગ્ન કર્યા હોવા છતા તેમણે બીજા લગ્ન કર્યા હતા. જેને કારણે બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. આ ઉપરાંત સ્વીટી પટેલ ગુમ થયા બાદ પીઆઈ અજય દેસાઈ કેમ ભરૂચ ગયા હતા તે પણ પોલીસ માટે મોટો કોયડો છે. સ્વિટી ગુમ થઇ તેની આગળની જ રાત્રે સ્વિટી અને અજય દેસાઇ વચ્ચે છુટાછેડા આપવા માટે ઝગડો ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
સ્વીટીબેન તેમના અગાઉના પતિ હેતશ પંડ્ સાથે સતત સંપર્કમાં હતા. તેમના પૂર્વ પતિ ઓસ્ટ્રેલિયામાં પુત્ર રિધમ સાથે રહે છે. ૪ જૂનના રોજ તેમનો પુત્ર રિધમ સાથે છેલ્લો સંપર્ક થયો હતો. તેના બાદ બંને વચ્ચે કોઈ વાત થઈ ન હતી. તેથી રિધમ પણ ચિંતામાં પડી ગયો છે.