દહેગામમાં પરપ્રાંતીય મજૂરે પાઇપના ૧૩ ફટકા મારી માલિકનું ઢીમ ઢાળી દીધું
ગાંધીનગર: ગાંધીનગરના દહેગામમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. એક ૨૦ વર્ષીય પરપ્રાંતીય મજૂર ફેક્ટરીના માલિક પર પાઇપ લઇને તૂટી પડ્યો હતો. આરોપી મજૂર પર કોઇ ઝનૂન ચડ્યું હોય એમ એક પછી એક ૧૩ જેટલા ફટકા માલિકના માથા અને શરીરના ભાગે માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થતાં પીડિત ગૌતમ પટેલનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ ઉપયોગમાં લેવાયેલી પાઇપ ત્યાં જ ફેંકી મજૂર ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસે સીસીટીવીના આધારે હત્યાના ગુનામાં તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં રહેતા ૫૦ વર્ષીય ગૌતમ પટેલ દહેગામ જીઆઇડીસી ખાતે શ્રી હરિ પાઇપ ફેક્ટરી ધરાવે છે, જેનું સંચાલન તેમના અન્ય બે ભાઈ પણ કરી રહ્યા છે, જેથી રાત્રિ દરમિયાન ત્રણેય ભાઈમાંથી કોઇ એક ભાઈ ફેકટરીમાં રાત્રે રોકાતા હતા. આશરે ૧૫ દિવસ પહેલાં ૨૦ વર્ષીય અખિલેશ નામનો પરપ્રાંતીય યુવાન પત્ની અને નાની બાળકી સાથે ફેક્ટરી પર આવ્યો હતો અને નોકરી કરવા લાગ્યો હતો.
આ યુવકને ફેક્ટરીમાં જ રહેવા માટે જગ્યા આપી હતી. ગૌતમભાઈ અને તેમના અન્ય બે ભાઈઓ રાત્રે ફેક્ટરીમાં રોકાતા હતા. ગઇકાલે ગૌતમભાઈ ફેક્ટરી પર રાત્રે રોકાવા માટે આવ્યા હતા અને રાબેતા મુજબ ફેક્ટરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, જે ફેક્ટરીમાં લાગેલા સીસીટીવીમાં જાેઇ શકાય છે. ગૌતમભાઈ નિરીક્ષણ કરી રહ્યા હતા એ સમયે અખિલેશ ત્યાં આવ્યો હતો અને તેઓ કંઇ સમજે એ પહેલા જ તેણે માથા પર પાઈપ ફટકારી હતી,
જેથી ગૌતમભાઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. ગૌતમ પટેલ જમીન પર ફસડાઈ પડ્યા પછી પણ અખિલેશ એ હદે ઝનૂની થઇ ગયો હતો કે એક પછી એક પાઇપના ફટકા મારવા લાગ્યો હતો. ગૌતમભાઈની હત્યા નીપજાવી અખિલેશ પત્ની અને બાળકીને લઇને ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. બનાવની જાણ થતાં દહેગામ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. કે રાઠોડ સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર શરૂ કર્યો હતો.