ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૧૨૦૬ મોત
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૨,૭૬૬ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ૨૪ કલાકમાં ૪૫,૨૫૪ લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ ૪,૫૫,૦૩૩ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાના અત્યારસુધી ૩,૦૭,૯૫,૭૧૬ કેસ નોંધાયા છે. જેમાંથી ૨,૯૯,૩૩,૫૩૮ લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ ૯૭.૨ ટકા થયો છે. કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૧,૨૦૬ લોકોનાં મોત થયા છે. મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો ૪,૦૭,૧૪૫ થયો છે. હાલ દેશ પર ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે
ત્યારે આ ખતરાને ખાળવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યારસુધી કુલ ૩૭,૨૧,૯૬,૨૬૮ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૫૬૩ નવા કેસ નોંધાય છે. આ દરમિયાન રાજ્યમાં ૧૩૦ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮,૯૯૨ કેસ નોંધાયા છે, જ્યારે ૭૩૮ લોકોનાં મોત થયા છે. તાલિમનાડુમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૬૯ લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૮ લોકોનાં કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૬ કેસ નોંધાયા છે. જેની સામે ૧૯૬ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૩ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૬૧ ટકા છે. શુક્રવારે રાજ્યના ૧૬ જિલ્લા એવા હતા
જ્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો ન હતો. રાજ્યમાં અત્યારે કુલ ૧,૩૫૬ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૮ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧,૩૪૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૮,૧૨,૭૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.