બેથી વધુ બાળકો પેદા થવા પર સરકારી નોકરીઓમાં અરજી અને પ્રમોશનની તક મળશે નહીં
લખનૌ: ઉત્તર પ્રદેશના રાજ્ય વિધિ આયોગે યુપી જનસંખ્યા વિધેયક ૨૦૨૧નો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જલદી આયોગ તેને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ રાજ્ય સરકારને સોંપી દીશે. આ ડ્રાફ્ટમાં યુપીમાં જનસંખ્યા નિયંત્રણ માટે કાયદાકીય ઉપાયોના રસ્તા સૂચવવામાં આવ્યા છે.
આ ડ્રાફ્ટ મુજબ ૨થી વધુ બાળકો હશે તો સરકારી નોકરીઓમાં અરજીથી લઈને સ્થાનિક ચૂંટણી લડવા પર રોક લગાવવા સુધીના પ્રસ્તાવ છે. વિધિ આયોગે આ ડ્રાફ્ટ સરકારી વેબસાઈટ પર અપલોડ પણ કર્યો છે અને ૧૯ જુલાઈ સુધીમાં જનતાના પ્રતિભાવ માંગ્યા છે. આ ડ્રાફ્ટ એવા સમયમાં રજુ કરાયો છે કે જ્યારે ૧૧ જુલાઈના રોજ યોગી સરકાર નવી જનસંખ્યા નીતિ બહાર પાડવા જઈ રહી છે. આયોગના જણાવ્યાં મુજબ આ ડ્રાફ્ટને તૈયાર કરવા માટે કોઈ સરકારી આદેશ નથી. આયોગે સ્વપ્રેરણાથી આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આવામાં જાે આ એક્ટ લાગૂ થયો તો બેથી વધુ બાળકો પેદા થવા પર સરકારી નોકરીઓમાં અરજી અને પ્રમોશનની તક મળશે નહીં. ૭૭ સરકારી યોજનાઓ તથા ગ્રાન્ટથી વંછિત રાખવાની પણ જાેગવાઈ છે.
જાે આ કાયદો લાગૂ થયો તો એક વર્ષની અંદર તમામ સરકારી અધિકારીઓ કર્મચારીઓએ સ્થાનિક ચૂંટણીમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ શપથપત્ર આપવું પડશે કે તેઓ તેનો ભંગ કરશે નહીં. કાયદો લાગૂ થતા જ તેમના બે જ બાળકો છે અને શપથપત્ર આપ્યા બાદ જાે તેઓ ત્રીજુ સંતાન પેદા કરે તો પ્રતિનિધિની ચૂંટણી રદ કરવા તથા ચૂંટણી ન લડવા દેવાનો પ્રસ્તાવ હશે. સરકારી કર્મચારીઓનું પ્રમોશન તથા બરતરફીની પણ ભલામણ છે.
જાે વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય અને નસબંધી કરાવે તો તેમને વધારાનો ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન, સરકારી આવાસીય યોજનાઓમાં છૂટ, પીએફમાં એમ્પ્લોયર કન્ટ્રીબ્યૂશન વધારવા જેવી અનેક સુવિધાઓ આપવાની ભલામણ કરાઈ છે. બે બાળકોવાળા દંપત્તિ જાે સરકારી નોકરીમાં ન હોય તો તેમને પાણી, વીજળી, હાઉસ ટેક્સ, હોમ લોનમાં છૂટ તથા અન્ય સુવિધાઓ આપવાનો પણ પ્રસ્તાવ છે. જ્યારે એક સંતાન હોય અને નસબંધી કરાવનારા લોકોને સંતાનના ૨૦ વર્ષ સુધી મફત સારવાર, શિક્ષણ, વીમા શિક્ષણ સંસ્થા અને સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવાની ભલામણ છે.