Western Times News

Gujarati News

ઉમરપાડામાં આભ ફાટ્યુંઃ ૧૬ ઈંચ વરસાદ

રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિઃ રાજયના ૧૦૯ જળાશયો હાઈએલર્ટ પરઃ હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત ઉપર લો પ્રેશરની બે સીસ્ટમો એક સાથે સક્રિય બનતા સમગ્ર રાજયમાં ભારે વરસાદ પડી રહયો છે રાજયના દક્ષિણ, ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ગઈકાલ સાંજથી અતિભારે વરસાદ પડવાનો શરૂ થતાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અનેક સ્થળો પર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહયા છે. ઉમરપાડામાં ૧૬ ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક લોકો ફસાઈ ગયા છે આ ઉપરાંત નર્મદા નદીની સપાટી પણ સતત વધવા લાગતા કાંઠાના ગામો ખાલી કરાવવામાં આવી રહયા છે. સમગ્ર રાજયમાં અનરાધાર વરસાદ પડવાનો શરૂ થયો છે જોકે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે અને રાજયમાં પીવાના પાણીની સમસ્યા હળવી થઈ ગઈ છે.

છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજયમાં અસહ્ય બફારાના પગલે કોઈપણ સમયે ધોધમાર વરસાદ તૂટી પડે તેવુ નાગરિકો માનતા હતા આ દરમિયાનમાં ગઈકાલથી સમગ્ર ગુજરાત પર લો પ્રેશરની બે સીસ્ટમો કેન્દ્રીત થઈ છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ રહી છે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ અને તેની આસપાસનો વિસ્તાર વરસાદથી વંચિત રહયો હતો પરંતુ ગઈકાલ મધરાતથી અમદાવાદમાં પણ વરસાદ પડવાનો શરૂ થયો છે દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ સાંજથી જ ભારે વરસાદ પડી રહયો છે. સુરત તથા તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ચિંતાની બાબત એ છે કે તાપીનું જળસ્તર પણ સતત વધી રહયું છે જેના પગલે સુરતવાસીઓના જીવ તાળવે ચોટી ગયા છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે નર્મદા નદીમાં સતત સપાટીમાં વધારો થઈ રહયો છે નર્મદા ડેમની સપાટી ૧૩૬ મીટરને પણ કુદાવી જતાં ડેમના ર૪ જેટલા દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ગામો ગઈકાલ સાંજથી જ ખાલી કરાવવામાં આવી રહયા છે. આ ઉપરાંત અન્ય ગામોને સાવચેતી કરાયા છે.

મધ્ય ગુજરાતમાં પણ સતત વરસાદ પડી રહયો છે દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડામાં સૌથી વધુ ૧૬ ઈંચ જેટલો વરસાદ પડયો છે જયારે ડાંગમાં પ ઈંચ, અને દેડિયાપાડામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજયમાં પડી રહેલા ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે રાજયના ૧૦૯ જળાશયોને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની વધી રહેલી સપાટી પર અધિકારીઓ નજર રાખી રહયા છે. રાજયના સૌથી મોટા કડાણા, ઉકાઈ, સહિતના ડેમો પણ છલકાઈ ગયા છે અને મોટાભાગના ડેમોના દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં ગઈકાલ રાતથી જ મધ્યમથી ભારે વરસાદ પડી રહયો છે જેના પરિણામે નદી નાળા છલકાઈ ગયા છે આ ઉપરાંત ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે જોકે કેટલાક સ્થળો પર ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી ખેડૂતો ચિંતીત બની ગયેલા છે.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલ મધરાતથી જ સતત વરસાદ પડવાનો શરૂ થયો છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં પડી રહેલા વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. બાયડ તથા પ્રાંતિજમાં ભારે વરસાદ પડી રહયો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ગઈકાલ સવારથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થયો છે. અમરેલી, જૂનાગઢ, જામનગર, કચ્છ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદ પડી રહયો છે. અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ પડવાના કારણે અમરેલી શહેર ખાંભા, સાવરકુંડલા સહિતના નગરોમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતાં અને નગરોના રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. ગુજરાત ઉપર કેન્દ્રીત થયેલી લો પ્રેશરની બે સિસ્ટમના કારણે હજુ પણ આગામી બે દિવસ સુધી રાજયભરમાં અવિરત વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.