રાજસ્થાનમાં વીજળીનો કહેર, ૭ બાળકો સહિત ૧૮ લોકોનાં મોત
જયપુર: જયપુર અને રાજસ્થાનનાં અન્ય ભાગોમાં રવિવારે મોડી રાત્રે (૧૧ જુલાઈ, ૨૦૨૧) વીજળી પડતા સાત બાળકો સહિત ૧૮ લોકોનાં મોત થયાં છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, કોટા, બારાન, ઝાલાવાડ અને ધોલપુર જિલ્લામાં વીજળીનાં અલગ-અલગ બનાવોમાં ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, જયપુરનાં આમેર કિલ્લા નજીક એક ટેકરી પર વીજળી પડવાથી ૧૧ લોકો માર્યા ગયા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ કહ્યું, “તેમાંથી કેટલાક વોચટાવર પર સેલ્ફી લઈ રહ્યા હતા, જ્યારે કેટલાક ડુંગર પર હતા. મોડી સાંજે વીજળી પડતા તે વોચ ટાવર પર પડી ગયા હતા. કોટાનાં ગારડા ગામમાં રાધે બંજારા ઉર્ફે બાવળા (૧૨), પુખરાજ બંજારા (૧૬), વિક્રમ (૧૬) અને તેમનો ભાઈ અખરાજ (૧૩) ની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેની નીચે તેઓ તેમના પશુઓ સાથે આશ્રય લઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં ૧૦ જેટલા બકરા અને એક ગાયનું પણ મોત નીપજ્યું હતું.
ઝાલાવાડનાં લાલગાંવ ગામમાં, તારાસિંહ ભીલ તરીકે ઓળખાતા ૨૩ વર્ષીય ભરવાડનું વીજળી પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાં બે ભેંસો પણ આનાથી મોતને ભેટી છે. ધોલપુર જિલ્લાનાં કુડિન્ના ગામે ત્રણેય બાળકોની ઓળખ લવકુશ (૧૫), વિપિન (૧૦) અને ભોલુ (૮) તરીકે થઈ છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાનહાનિનાં મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સગાસંબંધી માટે પ્રત્યેકને રૂ.પાંચ-પાંચ લાખની માતબર રકમ ચૂકવવાની જાહેરાત કરી હતી. ગેહલોતે કહ્યું કે, “આજે કોટા, ધોલપુર, ઝાલાવાડ, જયપુર અને બરાનમાં વીજળી પડવાના કારણે લોકોનું મોત ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.” તેમણે કહ્યું કે, અધિકારીઓને પીડિતોનાં પરિવારને તાત્કાલિક સહાય પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે.