બેકારી અને મંદીના ખપ્પરમાં યુવાન હોમાયો
ગોમતીપુરમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંઃ સ્થાનિક નાગરિકોમાં શોકની લાગણી
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશભરમાં આર્થિક મંદીનું મોજુ ફરી વળ્યું છે જેના પગલે કારમી મોંઘવારીમાં નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે કેટલાક યુવકો બેકાર બની ગયા છે આ ઉપરાંત શિક્ષિત યુવકો પણ નોકરી માટે રઝળપાટ કરતા જોવા મળી રહયા છે આ પરિસ્થિતિમાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. ૬ મહિના પહેલા જ લગ્ન થયા બાદ યુવક રોજગારી મેળવવા માટે સતત રઝળપાટ કરતો હતો પરંતુ નોકરી નહી મળવાથી પરિવારના ભરણપોષણની ચિંતામાં આખરે તેણે અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને શોકમગ્ન પરિવારને સાંત્વના આપવા માટે સ્થાનિક આગેવાનો પહોંચી ગયા હતાં આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ગોમતીપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાત સહિત દેશભરમાં આર્થિક મંદીના મોજાના કારણે ઔદ્યોગિક વિકાસ પર તેની અસર જોવા મળી રહી છે ઓટો સહિતના અનેક ક્ષેત્રોમાંથી યુવકોને નોકરીમાંથી રજા આપવામાં આવી રહી છે જેના પગલે બેકારીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે બીજીબાજુ મોંઘવારી પણ સતત વધી રહી છે જેના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. આજની સ્થિતિમાં યુવકો નોકરી માટે વલખા મારી રહયા છે તેવુ ચિત્ર ઉપસી રહયું છે. નોટબંધી તથા જીએસટીના કારણે આ મંદીનું મોજુ ફરી વળ્યું હોવાનો આક્ષેપ થઈ રહયો છે તો બીજીબાજુ કેન્દ્ર સરકારે પણ હવે આર્થિક મંદીમાંથી દેશને બહાર લાવવા માટે પ્રયાસો શરૂ કર્યાં છે. આ તમામ પરિસ્થિતિમાં અસંખ્ય કુટુંબો કપરી સ્થિતિમાં મુકાઈ ગયા છે અમદાવાદ શહેરમાં પણ હાલ નોકરી મેળવવા માટે કેટલાક યુવકો રઝળપાટ કરી રહયા છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં મદની મહોલ્લામાં રહેતો ર૪ વર્ષીય યુવાન મોઈન અબ્દુલ વહાબ શેખના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા અને પરિવારમાં ખુશાલીનો માહોલ હતો.
લગ્ન થઈ ગયા બાદ મોઈન શેખ પરિવારનું ભરણપોષણ કરવા માટે સતત નોકરી મેળવવા રઝળપાટ કરતો હતો અને તેને સફળતા મળતી ન હતી જેના પરિણામે તે છેલ્લા કેટલાક દિવસથી માનસિક રીતે હતાશ જાવા મળતો હતો આ દરમિયાનમાં બે દિવસ પહેલા બેકારી અને મંદીના કારણે તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી મોઈન શેખના મૃતદેહને જતા જ પરિવારજનોએ બુમાબુમ કરી મુકી હતી જેના પગલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા ગોમતીપુર પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.
પોલીસે મોઈન શેખના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનોની પુછપરછ કરતા ઉપરોકત વિગતો પોલીસને જાણવા મળી હતી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ અત્યંત દુઃખદ આ ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર ઈકબાલ શેખ તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલ પહોચી ગયા હતા અને પરિવારજનોને પણ મળી તેઓને સાંત્વના પાઠવી હતી.