કર્ફ્યૂમાં ચાની કિટલી શોધવા નીકળેલા ત્રણ યુવકો ઝબ્બે
અમદાવાદ: અમદાવાદીઓ માટે ચા એ માત્ર પીણું નથી, પરંતુ લાગણી છે અને શહેર જ્યારે કિટલી કલ્ચર માટે જાણીતું છે ત્યારે, કર્ફ્યૂ દરમિયાન બહારની ચા પીવાની તલબ તમને ખરેખર મુશ્કેલીમાં મૂકી શકે છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતા ત્રણ યુવકોને આ પાઠ ત્યારે શીખવા મળ્યો જ્યારે તેઓ રાત્રી દરમિયાન ચાની શોધમાં અહીંયા-ત્યાં ભટકી રહ્યા હતા. સોમવારે આશરે ૧.૩૦ કલાકે ઘાટલોડિયામાં રહેતો ૨૧ વર્ષનો વિદ્યાર્થી શાસ્ત્રીનગર નજીક ચાની કિટલી શોધી રહ્યો હતો ત્યારે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે તેને પકડ્યો હતો.
જ્યારે અમે તેને રોક્યો અને એવી તો શું ઈમરજન્સી હતી કે તેણે કર્ફ્યૂ દરમિયાન અડધી રાતે બહાર નીકળવું પડ્યું તે અંગે પૂછ્યું તો, તેણે જવાબમાં કહ્યું કે, તેને ચા પીવાની આદત છે અને ક્યારનો તે કિટલી શોધી રહ્યો છે’, તેમ ઘાટલોડિયા પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ‘તે સમયે ચા માટે બહાર ફરવું તે યોગ્ય કારણ નહોતું. અમે તેની સામે કર્ફ્યૂના જાહેરનામાના ઉલ્લંઘનની સાથે-સાથે એપિડેમિક એક્ટ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજા કેસમાં, સેટેલાઈટ તેમજ રાણીપના બે રહેવાસીઓ શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે કિટલી શોધતા જાેવા મળ્યા હતા.
‘બંનેની ઉંમર ૩૦ કરતાં ઓછી હતી. સોમવારે રાતે ૧૨.૩૦ વાગ્યે રખડવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે, તેઓ બંને મિત્રો છે અને ચા પીવા માટે નીકળ્યા છે’, તેમ પોલીસે જણાવ્યું હતું. એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, શહેરમાં કર્ફ્યૂ હોવાની જાણ હોવા છતાં બંને શખ્સો બહાર નીકળ્યા હતા અને બેદરકારીભર્યું વર્તન કરીને અન્ય તેમજ પોતાનું જીવન પણ જાેખમમાં મૂક્યું હતું. તેમની સામે કર્ફ્યૂના નિયમનું ઉલ્લંઘન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સોમવારે જ ત્રણેયને જામીન પર મુક્ત કરાયા હતા.