Western Times News

Gujarati News

બહાર આખી રાત રહેલા ભગવાનને અંદર પ્રવેશ અપાયો

અમદાવાદ: પહેલીવાર એવુ બન્યું કે, નગરના નાથ ૧૪ કલાકની નગરચર્યાનું ૨૨ કિ.મી.નું અંતર ૪ કલાકમાં પૂરું કરી નિજમંદિરે પરત ફર્યા હતા. કરફ્યૂગ્રસ્ત માહોલમાં ભક્તો વગર અમદાવાદમાં ગઈકાલે રથયાત્રા સંપન્ન થઈ હતી. ત્યારે આજે ઐતિહાસિક જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાની છેલ્લી વિધિ થઈ છે. આખી રાત મંદિરની બહાર રખાયેલા ભગવાનને નિજ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ભગવાનની આરતી કરવામાં આવી હતી. તેના બાદ ભગવાનની નજર ઉતારી તેમને મંદિરમાં પ્રવેશ અપાયો હતો. નગરચર્યા બાદ ભગવાનને ભક્તોની મીઠી નજર લાગતી હોય છે.

તેથી ગર્ભગૃહમાં પ્રવેશ કરતા પહેલા ભગવાનની નજર ઉતારવાની વિધિ કરાય છે. આ પહેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથમાં જ ભગવાનની આરતી કરાઈ હતી. જળયાત્રાથી રથયાત્રાની શરૂઆત થાય છે. તેમજ વિધિવત રીતે ત્રીજના દિવસે રથયાત્રાનું સંપન્ન થઈ કહેવાય છે. ભગવાનને મંદિરમાં લીધા બાદ તેમની મહાઆરતી કરાઈ હતી. નગરચર્યા બાદ ભગવાનને રથમાં જ મંદિરની બહાર આખી રાત રાખવામાં આવે છે. આ પાછળ એક પૌરાણિક કથા છે. ભગવાન પોતાના બાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ જતા હોય છે.

આવામાં તેમના વ્હાલા પત્ની રુકમણીજી રિસાય છે. નગરમાં ફરવા નીકળ્યા ત્યારે રૂકમણીજીને લઈને ન ગયા અને રૂકમણી રિસાયા હતા. ભગવાન જગન્નાથજી રથયાત્રાએ પરત ફર્યા ત્યારે રૂકમણીજીએ દ્વાર ન ખોલ્યા, અને ભગવાનને બહાર સુઈ રહેવું પડ્યું હતું. આ લોકવાયકાને પગલે આજે પણ ભગવાન જગન્નાથજી અષાઢી બીજના દિવસે નગરચર્યા કરીને રાત્રે પરત ફરે ત્યાર પછી રથમાં જ શયન કરવું પડશે. અમદાવાદાં ગઈકાલે ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા નીકળી હતી.

જે સવારે ૭ને ૧૦ મિનિટે શરૂ થયેલી રથયાત્રા ૧૦ને ૫૦ મિનિટે પૂર્ણ થઈ હતી. પહેલીવાર રથયાત્રા આટલા ઓછા સમયમાં પૂરી કરાઈ હતી. કોરોનાકાળમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ કરવી તે મોટી ચેલેન્જ હતી, જે આખરે પાર પાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.