એસ્સાર શિપિંગના ત્વિશા અને તુહિના જહાજોએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચોખાના વેપારને વેગ આપ્યો
મુંબઈ, એસ્સાર ગ્લોબલ લિમિટેડનો સર્વિસીસ અને ટેકનોલોજી પોર્ટફોલિયો એસ્સાર શિપિંગ લિમિટેડએ આજે જણાવ્યું હતું કે, 13,000 ડીડબલ્યુટી વજન ધરાવતા એના બે હેન્ડીસાઇઝ જહાજો ત્વિશા અને તુહિના ભારતમાંથી બાંગ્લાદેશ સુધી ચોખાની નિકાસમાં સંકળાયેલા છે. આ નિકાસ બંને પડોશી દેશો વચ્ચે તાજેતરમાં થયેલી દ્વિપક્ષીય વેપારી સમજૂતીને અંતર્ગત થઈ છે.
આ સમજૂતી મુજબ, ભારતમાંથી 150,000 ટન ચોખા બાંગ્લાદેશ ખરીદશે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ પ્રથમ પ્રકારની દ્વિપક્ષીય સમજૂતી છે.
આ અંગે એસ્સાર શિપિંગના સીઇઓ શ્રી રણજિત સિંહે કહ્યું હતું કે, “અમને બાંગ્લાદેશમાંથી ચોખાની વધતી માગને પૂર્ણ કરવા અમારો ટેકો અને સેવા આપવાની ખુશી છે. મ્યાન્માર સાથે ભારતની કઠોળ આયાત માટેની પાંચ વર્ષની સમજૂતી સાથે અમે આ જહાજો માટે શિપમેન્ટ કોન્ટ્રાક્ટ મેળવ્યો છે, જે 20 જુલાઈથી કાર્યરત થશે.
આગામી મહિનાઓમાં પડોશી દેશો સાથે નિકાસની નવી સમજૂતીઓ થશે એટલે અમારા જહાજો આ વિસ્તારની અંદર સતત વેપારમાં સંકળાયેલા રહેશે. વળી અમે તમામ દેશોમાં કોવિડ મહામારીની અસર ઓસરી રહી છે એવું જોઈ રહ્યાં છીએ એટલે અમને આ તકનો ઉપયોગ કરવાની અને આ વેપારનો લાભ લેવાની આશા છે.” આ બંને જહાજો માર્ચ, 2021થી અત્યાર સુધી ચોખાની નિકાસના એક પછી એક વેપારમાં સંકળાયેલા છે.
મહામારી દરમિયાન નાણાકીય વર્ષ 2020-21માં ભારતે કૃષિલક્ષી ચીજવસ્તુઓની નિકાસમાં વધારો જોયો હતો. આ વૃદ્ધિ માટે રેકોર્ડ 13.9 મિલિયન ટન નોન-બાસમતી અને 4.6 મિલિયન ટન બાસમતી તથા 2.08 મિલિયન ટન ઘઉંનું વેચાણ જવાબદાર હતું, જે છ વર્ષમાં સૌથી વધુ છે. હકીકતમાં વિદેશમાં ચોખા માટેની વધતી માગ ભારતમાં કોમોડિટીના નિકાસકારો માટે મોટી સફળતા છે.
વિશ્વમાં બાંગ્લાદેશ ચોખાના ઉત્પાદનમાં ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે દર વર્ષે લગભગ 35 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કરે છે. અહીં પૂર કે દુષ્કાળ જેવી કુદરતી આફતોને કારણે અવારનવાર ચોખાની ખેંચ ઊભી થાય છે.