યુવકે પોલીસ યુનિફોર્મ પહેરી લોકો પાસેથી પૈસા પડાવ્યા
અમદાવાદ, ખાખી વર્દીનો શોખ રાખી અને પોલીસકર્મી બની જાહેર રોડ પર લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સની નરોડા પોલીસે ધરપકડ કરી છે. નરોડા પોલીસે બાતમીના આધારે હંસપુરા બસ સ્ટેન્ડ પાસેથી તેને રંગેહાથ પકડી લીધો હતો અને એક્ટિવા પણ કબ્જે કરી હતી. નરોડા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે.
નરોડા પોલીસને બાતમી મળી હતી કે, હંસપુરા બસ સ્ટેન્ડ પાસે એક્ટિવા લઈને પોલીસ યુનિફોર્મમાં એક યુવક વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યો છે. જેના આધારે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે તેને પકડી તેનું નામ પૂછતાં મિહિર મોદી હોવાનું જણાવ્યું હતું.
જાેકે પોલીસ દ્વારા યુવકને કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમ પૂછતાં પોતે પોલીસમાં નથી અને પોતાને શોખ હોવાથી પોલીસ યુનિફોર્મ પહેરી ફરતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને એક મોબાઈલ, એક્ટિવા, નેમ પ્લેટ, પોલીસ યુનિફોર્મ સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી.તપાસ શરૂ કરી છે.