Western Times News

Gujarati News

લાલપુરમાં રૂા.૧૦ લાખની વસુલી માટે યુવકનું કારમાં અપહરણ

પોલીસને જાણ કરાતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, ૩ અપહરણકારોની અટકાયત

હિંમતનગર, હિંમતનગર તાલુકાના લાલપુર ગામે રૂા.૧૦ લાખની વસુલી મુદ્દે મહેસાણા જિલ્લાના ૩ ઈસમોએ ભરતસિંહ ઉર્ફે ભલો આલુસિંહ ઝાલાનું અપહરણ કરી કાર દોડાવી મૂકતાં સનસનાટી મચી હતી. ગલ્લા-કેબિન ઉપર બેઠેલા યુવકનું પૈસાની લેતી દેતીમાં અપહરણ કરાયાની જાણ ગાંભોઈ પોલીસને કરાતાં અપહરણકર્તાની કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જેમાં પોલીસે સફળતાપૂર્વક અપહરણ કરાયેલ યુવકને છોડાવી ૩ જણની અટકાયત કરી છે. બનાવ અંગે ગાંભોઈ પોલીસે અપહરણના બનાવમાં શું ધરબાયેલું છે તેની ઉંડી તપાસ શરૂ કરી છે.

પોલીસ સુત્રોએ આપેલી જાણકારી મુજબ તલોદ તાલુકાના મોઢુકા ગામનો મુળ વતની હિંમતનગર તાલુકાના લાલપુર ગામે ગલ્લા-કેબિન ચલાવી ગુજરાન ચલાવી રહ્યો છે. તા.૪ ના રોજ બપોરના સમયે તે ગલ્લા ઉપર બેઠો હતો જે સમયે મહેસાણા જિલ્લ્ના ગઠામણ અને માલેકપુર ગામના ૩ ઈસમો કાર લઈ ત્યાં આવ્યા હતા અને યુવક કંઈપણ સમજે તે અગાઉ તેને કારમાં ઉઠાવી ખેરાલુ તરફ કાર ભગાવી મુકી હતી.

રસ્તામાં યુવકે અપહરણનું કારણ પુછતાં ભરત ઝાલાના માસીના દિકરા અજમેલને અપહરણકારોએ ફોન કરી કહેલ કે અમારા બાકી નીકળતા ૧૦ લાખ આપી ભરતને ખેરાલુથી છોડાવી જજાે તેમ કહેતાં તાબડતોબ ગાંભોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા ખેરાલુને જાેડતા માર્ગો ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવતા ત્રણેય અપહરણકારો આબાદ રીતે ઝડપાઈ ગયા હતા.

પોલીસે અપહરણના મામલાની ઉંડી તપાસ હાથ ધરી છે જેમાં બાકી નીકળતા પૈસા મુદ્દે અપહરણ કરાયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે અપહરણકારોની કારનો પીછો કરતાં માર્ગ ઉપર જીવ સટોસટના દ્રશ્યો સર્જાયા હતા. બનાવ અંગે ગાંભોઈ પોલીસે ૩ જણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.