અભિનેતા હર્ષવર્ધન કુરિયર બોય તરીકે કામ કરી ચૂક્યો છે
મુંબઈ: સનમ તેરી કસમ અને તૈશ જેવી ફિલ્મોમાં પોતાની પ્રતિભા બતાવનારો એક્ટર હર્ષવર્ધન રાણે આજકાલ ફિલ્મ હસીન દિલરુબાને કારણે ચર્ચામાં છે. હવે હર્ષવર્ધન જ્હોન અબ્રાહમના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં જાેવા મળશે. ત્યારે તેણે જ્હોન અબ્રાહમ સાથેની એક જૂની મુલાકાત યાદ કરી છે. હર્ષવર્ધને કહ્યું કે, ૨૦૦૪માં તે કુરિયર બોય તરીકે કામ કરતો હતો. એ વખતનો કિસ્સો યાદ કરતાં એક્ટરે કહ્યું, હું કુરિયર બોય તરીકે કામ કરતો હતો અને મેં જ્હોન સરના ત્યાં એક હેલમેટ ડિલિવર કર્યું હતું.
એ દિવસે તેમને જાેઈને જે લાગણી થઈ હતી તે જ્યારે પણ તેમને જાેઉં ત્યારે થાય છે. હર્ષવર્ધના કહેવા અનુસાર, તે આજે પણ જ્હોન અબ્રાહમને સર કહીને સંબોધે છે. હર્ષવર્ધને આગળ કહ્યું, હું આજે પણ તેમને સર કહું છું. તેઓ મને ના પાડે છે કે સર કહીને ના સંબોધું પણ હું એમ નથી કરી શકતો. હું તેમને પહેલીવાર મળ્યો ત્યારે વસ્તુઓ ડિલિવર કરતો હતો. એ વખતે મારા તેલવાળા ચપટા વાળ, ચહેરા પર પિંપલ હતા અને ગંદુ બાઈક ચલાવતો હતો અને આજે તેઓ મારી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે.
આજે પણ હું તેમની સામે નર્વસ થઈ જાઉં છું. હું થોડો ખુલવાની કોશિશ કરું છું પરંતુ તેમ નથી કરી શકતો. મને નથી લાગતું કે તેમની સામે સહજ રહેવું આ જન્મે શક્ય છે. જણાવી દઈએ કે, આ વર્ષે મે મહિનામાં હર્ષવર્ધન રાણે ચર્ચામાં હતો કારણકે તેણે ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદવા માટે પોતાની બાઈક વેચવાની જાહેરાત કરી હતી. આ રીતે તે જરૂરિયાતમંદોની મદદ કરવા માગતો હતો. તેણે પોતાની બાઈકની તસવીરો પોસ્ટ કરીને વેચવાની છે તેમ કહ્યું હતું, જે બાદ ઘણાં લોકોએ ખરીદવાની તૈયારી દર્શાવી હતી. હર્ષવર્ધન પોતાની બાઈક વેચીને કોરોનાના દર્દીઓ માટે ત્રણ ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરી શક્યો હતો.