ફેરિયાને રોન્ગ સાઈડ આવતી BRTS બસે કચડ્યો
અમદાવાદ: અમદાવાદની સવાર ફરી એકવાર અકસ્માત સાથે થઈ છે. વધુ એક શખ્સનો અકસ્માતમાં જીવ ગયો હતો. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પારે બીઆરટીએસની અડફેટે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વહેલી સવારે પેપર નાંખવા નીકળેલા ૪૫ વર્ષીય જેલાભાઈ રબારી બીઆરટીએસ બસના તોતિંગ પૈડા નીચે કચડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે સાડા છ વાગ્યાની આસપાસ જેલાભાઈ રબારી (ઉંમર ૪૫ વર્ષ) રોજના સમય મુજબ પેપર વહેંચવા પોતાની એક્ટિવા પર નીકળ્યા હતા. તેઓ પોતાના રસ્તે જઈ રહ્યા હતા, ત્યારે બીઆરટીએસ બસ ડેપોમાંથી બહાર નીકળીને આવતી હતી. આ બસ ઓવર સ્પીડમાં રોન્ગ સાઈડ પરથી આવી રહી હતી,
ત્યારે બસે એક્ટિવા પર જઈ રહેલા જેલાભાઈને અડફેટે લીધા હતા. આ ટક્કરમાં જેલાભાઈ ૧૦ ફૂટ સુધી ઉછળ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ઘટના બાદ ડ્રાઈવર બસમાંથી ઉતર્યો પણ ન હતો અને તરત ત્યાંથી ભાગી ગયો હતો. ઓવરસ્પીડમા અને રોન્ગ સાઈડમાં બસ હંકારતા ડ્રાઈવરને કારણે ત્રણ બાળકો નોંધારા બન્યા છે. ત્રણ બાળકોના પિતા જેલાભાઈ પેપર વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોતાના નિત્યક્રમ મુજબ તેઓ સવારે નીકળ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
તો બીજી તરફ, જેલાભાઈના પરિવારજનો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં સુધી ડ્રાઈવર નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ ઉઠાવી દેવાય તેવી માંગણી તેમના પરિવારજનોએ કરી હતી. જ્યાં સુધી ડ્રાઈવરને પોલીસ દ્વારા હાજર કરવામાં નહિ આવે ત્યા બેસીને ધરણા કરશે. તેઓએ ન્યાય માટે મૃતદેહ પાસે બેસ્યા હતા. સવારે સાડા છ વાગ્યાનો બનાવ હતો, જેમાં આઠ વાગ્યા સુધી કોઈ અધિકારી ઘટના સ્થળ સુધી ફરક્યા ન હતા. જેલાભાઈનુ અકસ્માત થયું, ત્યારે સિમ્સ હોસ્પિટલમાં કામ કરતા એક નર્સિંગ ભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.
મહેન્દ્ર કલાલ નામના નર્સિંગ ભાઈએ જેલાભાઈનો જીવ બચાવવા અનેક કર્યા હતા. તેમણે કહ્યું કે, હું ઘરેથી હોસ્પિટલ જતો હતો તે સમયે મેં અકસ્માત થયેલો જાેયો. મેં એક્ટિવા ચાલકને ખરાબ હાલતમાં જાેયા તો મેં તાત્કાલિક સીપીઆર ચાલુ કરી દીધુ હતું. મેં તેમને બચાવવા ખૂબ પ્રયાસ કર્યા, સીપીઆર આપતી વખતે મેં મારો ફોન ખિસ્સામાંથી નીકળ્યો તો એ પણ કોઈક ચોરી ગયું.