Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઝોલાપુરના ગામ-તળાવનું બ્યૂટીફિકેશન કરાશે

 અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તળાવનું બ્યૂટીફિકેશનની સંભવત પ્રથમ ઘટના

યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહયોગથી ગામતળાવને સુંદર બનાવાશે- ઉત્સાહિત ગ્રામજનોએ સ્વંય ગામના ઉકરડા હટાવ્યા

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઝોલાપુર ગામના તળાવનું બ્યૂટીફિકેશન કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં કોઈ તળાવનું રિડેવલપમેન્ટ અને બ્યૂટીફિકેશન કરવામાં આવતું હોય તેવી સંભવત: પ્રથમ ઘટના છે. સામાન્ય રીતે મોટા શહેરો અને નાના નગરોમાં તળાવને રિડેવલપ કરવામાં આવે છે અને બ્યૂટિફિકેશન હાથ ધરવામાં આવે છે.

પણ ઝોલાપુર ગામ એ રીતે અનોખું ગામ બની રહેશે, કે જેનું ગામ-તળાવ શહેરના તળાવોની જેમ વિકસાવાશે. આ પ્રોજેક્ટ હેઠળ બાગ-બગીચા અને વોક-વે જેવી સુવિધાઓ પણ વિકસિત કરાશે.

ઉલ્લેખનીય છે કે યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહયોગથી ઝોલાપુર ગામના તળાવનું બ્યૂટીફિકેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.

૫૨(બાવન) વીઘામાં ફેલાયેલા આ વિશાળ તળાવમાં બાળકો માટે રમત-ગમતના સાધનો સાથેના બાગ-બગીચા, સિનિયર સિટિઝન નિરાંતે બેસી શકે તે માટે બગીચામાં સુંદર બેઠક વ્યવસ્થા તેમ જ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો માટે વોક-વે જેવી સુવિધા ઉભી કરાશે. આ તળાવની સમાંતરે બનનારા વોક-વેનો રાત્રે પણ ઉપયોગ થઈ શકે તે માટે સોલાર સ્ટ્રીટ લાઈટ પણ નાંખવામાં આવશે.

આ અંગે પ્રતિભાવ વ્યક્ત કરતાં ગામના સરપંચ રાજેન્દ્રભાઈ પટેલ કહે છે : “અમે આતુરતાથી આ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છીએ. ગામના લોકો આ વિકાસકાર્યથી ખુશ છે. અમે જ્યારે વાત કરી ત્યારે ગ્રામજનોએ જાતે ઉકરડા દુર કર્યા.” તેઓ કહે છે : “તળાવના રિડેવલમેન્ટ-બ્યૂટીફિકેશનથી ગામની રોનક બદલાઈ જશે.”

ગામના યુવાન સામાજિક કાર્યકર્તા અનિરુદ્ધ મસાણીના મતે આ પ્રોજેક્ટના પગલે ગામના યુવાનો ઉત્સાહિત છે. તેઓ કહે છે કે, દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેમના ગામમાં સારા કાર્યો થાય અને અમારી આ ઈચ્છા પૂર્ણ થશે.

આ પ્રોજેક્ટ અંગે વાતચીત કરતાં ઝોલાપુર ગામના તલાટી-કમ-મંત્રી શ્રી સૌરભભાઈ અગ્નિહોત્રી કહે છે કે, કદાચ  ગ્રામ્ય વિસ્તારમાં તળાવનું રિડેવલપમેન્ટ- બ્યૂટીફિકેશન થઈ રહ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. વળી મારા કાર્યકાળ દરમિયાન આ વિકાસકાર્ય થઈ રહ્યું છે તેનો મને વિશેષ આનંદ છે.

આમ, ઝોલાપુર ગામને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના વિકાસ-નકશા પર આ પ્રોજેક્ટના પગલે અનોખું સ્થાન મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.