ફાયબર નેટ કનેક્શનથી તમામ ગામોનો જોડતો ગુજરાતનો પ્રથમ તાલુકો બન્યો ટંકારા
ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની અંદાજિત ૫૫ સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએથી કાર્યરત
નાગરિકોને ગ્રામ્ય કક્ષાએથી જ તમામ ઓનલાઇન સેવા ઝડપભેર મળતી થશે- સરકારની આધુનિક સેવાઓ ગામડે–ગામડે ઉપલબ્ધ હોવાનું સુત્ર સાર્થક કરતો ટંકારા તાલુકો
મોરબી, પારદર્શક અને સુગમ વહિવટ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સરકારની વહિવટી કામગીરીને પેપર લેસ બનાવવા તરફ આગળ ધપી રહી છે ત્યારે આ કામગીરી માટે મોરબી જિલ્લાનો ટંકારા તાલુકામાં મોડેલરૂપ કામગીરી થઇ છે. ભારત નેટ પ્રોજેકટ હેઠળ ટંકારા તાલુકો સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ ગામોને ફાયબર નેટથી જોડતો પ્રથમ તાલુકો બન્યો છે.
આ અંગે ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી નાગાજણ તરખાલાએ વ્યક્તિગત રસ લઇને આ કામગીરીને અંત સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી તરખાલા જણાવે છે કે, ગુજરાત રાજ્યનો ટંકારા તાલુકો સૌ પ્રથમ એવો તાલુકો બન્યો છે કે
જ્યાં તાલુકા પંચાયત અને તાલુકાની તમામ ૪૫ ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ૧૦૦ MBPS સ્પીડ સાથે અન્ડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે. ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે ગ્રામ્ય કક્ષાએથી એફ.આર.આઇ.ની નકલ, રેશનકાર્ડને લગતા સુધારા, આવક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર જેવી અંદાજિત ૫૫ સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએથી કાર્યરત થશે.
આ તાલુકો ગામો સ્માર્ટ વિલેજ થી ડિજિટલ વિલેજ તરફ કદમ મિલાવી શકશે. સાથે જ નાગરિકોને ગ્રામ્ય કક્ષાએથી જ તમામ ઓનલાઇન સેવા ઝડપભેર મળતી થશે.
ટંકારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી નાગાજણ તરખાલા અને તેની ટીમ દ્વારા સરકારની આધુનિક સેવાઓ ગામડે–ગામડે મળેના સુત્રને સાર્થક કરવા માટે વર્ષ ૨૦૧૮ થી ઝુંબેશ રૂપ કામગીરી કરતા સમગ્ર ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લામાં પ્રથમ તાલુકો ટંકારા બન્યો છે. જ્યાં તમામ ગ્રામ પંચાયતના વિલેજ ઓપરેટર એના કોમ્પ્યુટર ઉપર ૧૦૦ MBPS સ્પીડ સાથે કામ કરી ડિજિટલ યુગમાં કદમ મિલાવી શકશે.